અમદાવાદ, 25 ઓક્ટોબર, 2026 : ISKCON-Sarkhej overbridge on SG Highway to be inaugurated within a week શહેરના ઈસ્કોનથી સરખેજ સુધીના એસજી હાઈવે પરના ઓવરબ્રિજનું એકાદ સપ્તાહમાં લોકાર્પણ કરાશે. આ નૂતન બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. હાલમાં બ્રિજની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. સાઇડના રેમ્પના ભાગમાં નાના-મોટા લાઈટ ફિટિંગના કામ બે દિવસમાં પૂર્ણ કરી દેવાશે. બ્રિજની નીચે રોડની સાઈડની કેટલીક કામગીરી બાકી છે, તમામ કામગીરી લગભગ 30 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ બ્રિજનું મુખ્યમંત્રી અથવા દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે.
શહેરના એસજી હાઈવે પર સરખેજથી ઈસ્કોન સુધીનો 4 કિમીનો 6 લેનનો ફ્લાઈ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આ નૂતન બ્રિજનું એકાદ સપ્તાહમાં જ લોકાર્પણ કરીને નાગરિકાને દીવાળીની ભેટ અપાશે. બ્રિજની નીચેના ભાગની કામગીરી પૂર્ણ થતાં જ દિવાળી પહેલા જ આ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાશે આ બ્રિજ ચાલુ થવાના કારણે રોજના 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
હાઈવે ઓથોરિટીના અધિકારીના કહેવા મુજબ સરખેજ-ગાંધીનગર હાઈવે ઉપર બનાવવામાં આવેલો ફ્લાઈ ઓવરબ્રિજ લગભગ બનીને તૈયાર થઈ ગયો છે. અને દિવાળી સુધીમાં બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. એસજી હાઈવે પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ સરખેજ ચોકડીથી ઇસ્કોન જંક્શન સુધી બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જે હવે પૂર્ણતાને આરે છે. સરખેજ ચોકડીથી ઈસ્કોન વચ્ચે બ્રિજની બંને સાઈડ 3-3 રેમ્પ બનાવવામાં આવ્યા છે, જેનો વાહનચાલકોને સીધો ફાયદો થશે.


