Homeગુજરાતીગુજરાતજ્ઞાનેશકૂમાર ECમાં કમિશનર છે, ત્યાં સુધી ન્યાયી ચૂંટણી શક્ય નથીઃ પૃથ્વીરાજ ચૌહાણ

જ્ઞાનેશકૂમાર ECમાં કમિશનર છે, ત્યાં સુધી ન્યાયી ચૂંટણી શક્ય નથીઃ પૃથ્વીરાજ ચૌહાણ

અમદાવાદ, 26 ઓક્ટોબર, 2026 : Until Gyanesh Kumar is a Commissioner in EC, fair elections are not possible શહેરના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન  પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદને સંબોધતાં દેશભરમાં મતદાર યાદીઓમાં ગેરરીતિઓ અને મતદારોના નામ કમી થવાના મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘વોટ બચાવો, દેશ બચાવો’ દેશવ્યાપી અભિયાન અંતર્ગત યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં જનતાને પોતાની પસંદગીની સરકાર ચૂંટવાનો અધિકાર સર્વોપરી છે અને આ અધિકારનું રક્ષણ કરવું દરેક લોકશાહીપ્રેમી નાગરિકની જવાબદારી છે.

 પૃથ્વીરાજ ચૌહાણે આક્ષેપ કર્યો હતો કે તાજેતરની વિવિધ ચૂંટણીઓનાં પરિણામો અને મતદાર યાદીઓના વિશ્લેષણ દરમિયાન અનેક ગંભીર વિસંગતતાઓ સામે આવી છે. નામોમાં વિસંગતતા અને મતદાર યાદીની વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા થયા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે મતદાર યાદીની પ્રક્રિયામાં થતી આવી ગેરરીતિઓ ચૂંટણીની નિષ્પક્ષતા પર અસર કરી શકે છે.

 SIR એટલે કે મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા અંગે તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશભરમાં મોટી સંખ્યામાં મતદારોનાં નામ કમી કરવામાં આવ્યાં છે. તેમના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા દ્વારા ૩૦ રાજ્યોમાંથી ૧૩ કરોડથી વધુ નામ દૂર કરવામાં આવ્યાં હોવાનો કોંગ્રેસનો દાવો છે. મતદાર યાદીમાંથી કોઈ પાત્ર નાગરિકનું નામ ખોટી રીતે દૂર ન થાય અને દરેક લાયક મતદારને મતદાનનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

 ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવતાં  ચૌહાણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા લોકશાહીના પાયાના સ્તંભ છે. ડિસેમ્બર ૨૦૨૩માં કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરીને સુપ્રીમ કોર્ટે સૂચવેલી સમિતિમાંથી સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને હટાવીને કેબિનેટ મંત્રીને સામેલ કરવામાં આવ્યા, જેનાથી ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે ગંભીર સંકટ ઊભું થયું છે. જ્યાં સુધી મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે જ્ઞાનેશ કુમાર છે, ત્યાં સુધી ન્યાયી ચૂંટણી શક્ય નથી, કારણ કે તેઓ માત્ર વર્તમાન શાસકોના કહેવા પર જ ચૂંટણી પ્રક્રિયા ચલાવી રહ્યા છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવામાં આવે, ચૂંટણી આયોગની નિમણૂક પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવે, કાનૂન બદલવામાં આવે અને જેમણે પણ ગલત કામ કર્યું છે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગડબડી ન થાય તે માટે ઈવીએમને બદલે બેલેટ પેપર પર વોટિંગ કરાવવું જોઈએ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular