નવી દિલ્હી, 26 ઓક્ટોબર 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મ્યાનમારથી ભારતમાં થતી ડ્રગ્સની તસ્કરી અને તેના કાળા નાણાંને હવાલા મારફતે સેટલ કરનારા એક વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇડીની આઇઝોલ અને ઇમ્ફાલ ટીમ દ્વારા મિઝોરમ અને મણિપુરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી દરોડાની કામગીરી દરમિયાન ડ્રગ્સ તસ્કરી અને હવાલા રેકેટ સાથે જોડાયેલા 1424 બેંક ખાતાઓ ફ્રીઝ કર્યાં છે. આ સિવાય મિઝોરમમાં હવાલા કૌભાંડથી ઊભી કરાયેલી રૂ. 17.82 કરોડની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. અગાઉ ફ્રીઝ કરાયેલા ખાતાઓ સાથે મળીને અત્યાર સુધીમાં ઇડીએ કુલ રૂ. 26 કરોડથી વધુની મિલકતો સુરક્ષિત કરી લીધી છે.
ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે આ સંગઠિત નેટવર્ક મણિપુર, મિઝોરમ, અસમ અને ત્રિપુરા જેવા પૂર્વોત્તર રાજ્યોમાં હેરોઇન, બ્રાઉન શુગર અને મેથામફેટામાઇન (યાબા) ગોળીઓનું ગેરકાયદે વેચાણ કરતું હતું. ડ્રગ્સના વેચાણમાંથી મળતી કરોડો રૂપિયાની રોકડ રકમ અલગ-અલગ બેંક ખાતાઓ અને મની ટ્રાન્સફર સેન્ટરો મારફતે મિઝોરમના સરહદી વિસ્તારો સુધી પહોંચાડવામાં આવતી હતી. ત્યારબાદ ત્યાંથી હવાલા મારફતે મ્યાનમારમાં બેઠેલા ડ્રગ્સ સપ્લાયરોને ચુકવણી કરવામાં આવતી હતી. આ સિવાય કમિશન આપીને સામાન્ય લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ નાણાંની ફેરબદલી માટે કરવામાં આવતો હતો જેથી નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવી શકાય.
તપાસ દરમિયાન મણિપુરના ચુરાચંદપુરમાં આવેલા ‘ગો અલ્ફા ટ્રિપ’ નામના મિની ATM અને મની ટ્રાન્સફર સેન્ટરની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. આ સેન્ટર મારફતે 2024 થી જૂન 2026 વચ્ચે આશરે 2947 ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 175.03 કરોડથી વધુ રકમ જુદા જુદા વેપારીઓ, મેડિકલ સ્ટોર્સ અને વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સિવાય મિઝોરમની એક કંપની મારફતે ડ્રગ્સ બનાવવા માટે વપરાતા 32 ટનથી વધુ કેમિકલ્સ (કેફીન એનહાઇડ્રસ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ) મ્યાનમાર મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો પણ થયો છે.
-
દિલ્હી, મુંબઈ અને કોલકાતા સુધી પથરાયેલા છે હવાલાના તાર
ઇડીના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ હવાલા નેટવર્કના તાર માત્ર પૂર્વોત્તર સુધી સીમિત નહોતા, પરંતુ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગુવાહાટી અને સિલચર જેવા મોટા શહેરો સાથે પણ જોડાયેલા હતા. કોલકાતા અને હાઉરાની કેટલીક શંકાસ્પદ કંપનીઓ તરફથી મિઝોરમના હવાલા ઓપરેટરોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા છે. હવાલા ઓપરેટરો કમિશન લઈને ભારતીય રૂપિયાને મ્યાનમારની કરન્સી ‘ક્યાત’ માં રૂપાંતરિત કરીને ચુકવણી કરતા હતા. આ હવાલાના કાળા નાણાંથી ચંપાઈ વિસ્તારમાં નિર્માણ પામેલી રૂ. 17.82 કરોડની કિંમતની 5 માળની ‘હોટેલ જેટીએસ’પણ ઇડી દ્વારા જપ્ત કરવામાં આવી છે.
-
6 આરોપીઓની ધરપકડ, ડિજિટલ પુરાવા જપ્ત
ઇડીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સ્થાનિક પોલીસના સહયોગથી NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ત્રણ અલગ-અલગ કેસોના આધારે આ મની લોન્ડરિંગ તપાસ શરૂ કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત કશ્યપ જી. ઠક્કર (આઇઝોલ), થાંગખુઆલા (ચંપાઈ), ટી. ચાતુઆન વનલાલગાખા (આઇઝોલ), જેનંગાઇહનિયાંગ ઉર્ફે તાનિયાંગ, નેનગજુઆતુઆન વાલ્ટે અને એચ. ગૌજાલાલ (તમામ ચુરાચંદપુર) સહિત ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ઇડી દ્વારા જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવા, ચેકબુક અને ડાયરીઓના આધારે બેંક અધિકારીઓ અને મ્યાનમારના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.


