જયપુર, 26 ઓક્ટોબર 2026: રાજસ્થાનમાં ચાલુ વર્ષે ચોમાસાની ઉદાસીનતા અને સામાન્ય કરતાં અત્યંત ઓછી મોસમી વરસાદના કારણે ગંભીર દુષ્કાળ જેવા હાલાત સર્જાયા છે. ખેતીના પાકને થયેલ વ્યાપક નુકસાન અને પાણીની તીવ્ર તંગીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જોધપુર, બાંસવાડા અને જાલોર સહિત 14 જિલ્લાઓના કુલ 80 તાલુકાને ગંભીર અને મધ્યમ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર અધિસૂચના જારી કરવામાં આવી છે. વરસાદની ખાધ, ભૂગર્ભ જળ સ્તરમાં ઘટાડો, સપાટી પરના પાણીની ઉપલબ્ધતા અને પાક નુકસાનના વૈજ્ઞાનિક મૂલ્યાંકન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આપત્તિ વ્યવસ્થાપન વિભાગના આદેશ મુજબ, દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તમામ વિસ્તારોમાં સંબંધિત કાનૂની જોગવાઈઓ નોટિફિકેશન જાહેર થયાની તારીખથી આગામી છ મહિના સુધી અમલમાં રહેશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં બાંસવાડાના 3, બાડમેરના 9, બાલોતરના 3, ચુરુના એક, ડુંગરપુરના સાત, બ્યાવરના એક, જેસલમેરના 5, જાલોરના 9, જોરપુરના 7, ફલોદીના 5, નાગૌરના એક, પાલીના એક તથા સિહોરના એક તાલુકાનો સામેવશ થાય છે. આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાથી વહીવટી તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાનો માર્ગ મોકળો બન્યો છે.
જાલોરમાં આ વર્ષે વરસાદની સ્થિતિ અત્યંત ચિંતાજનક રહી છે. જિલ્લામાં માત્ર 200 મિમી આસપાસ જ સરેરાશ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ વરસાદ કરતાં આશરે 374 મિમી ઓછો છે. પૂરતા વરસાદના અભાવે ખેતરોમાં ઉભેલા પાકો સૂકાઈ ગયા છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકારે જાલોર જિલ્લાના આહોર, ચિતલવાના, જસવંતપુરા, બાગોડા, ભીનમાલ, રાનીવાડા, સાંચોર, સાયલા અને ભાદ્રાજૂન તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે જેથી અસગગ્રસ્ત ગામોમાં વિશેષ સર્વે અને રાહત કાર્યો શરૂ થશે
-
ખેડૂતોને રાહત મળવાની આશા, પશુઓ માટે ચારા-પાણીની વ્યવસ્થા થશે
ઓછા વરસાદના કારણે કૃષિ પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે અને ચિંતિત ખેડૂતો માટે સરકારની આ જાહેરાત મોટી રાહત લઈને આવી છે. નોટિફિકેશન બહાર આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારા, પીવાના પાણીની વ્યવસ્થા અને અન્ય જરૂરી પ્રશાસનિક પગલાં લેવામાં આવશે. ટૂંક સમયમાં જ તહસીલવાર પ્રભાવિત ગામોની યાદી અને ખેડૂતો તેમજ પશુપાલકો માટે વિશેષ રાહત පැકેજની વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.


