Homeગુજરાતીદેશ-વિદેશઆઈપીએલઃ ચેન્નાઈ સુપર કિંગ્સમાં નવા બોલિંગ કોચ બન્યાં આ ભારતીય ખેલાડી

આઈપીએલઃ ચેન્નાઈ સુપર કિંગ્સમાં નવા બોલિંગ કોચ બન્યાં આ ભારતીય ખેલાડી

ચેન્નાઈ, 27 ઓક્ટોબર 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2027 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ફ્રેન્ચાઈઝીએ પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કર્યા છે. સીએસકેએ અગાઉ જહીર ખાનને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા બાદ હવે અન્ય સહાયક કોચોની જાહેરાત કરી દીધી છે. અનુભવી ઓલરાઉન્ડર અલ્બી મોર્કલ, ગેરેથ બેટી અને તાજેતરમાં જ નિવૃત્તિ લેનાર મોહિત શર્માને સહાયક કોચની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં મોહિત શર્મા ટીમના નવા બોલિંગ કોચ બન્યા છે. આ મોટા ફેરફાર પાછળનું મુખ્ય કારણ સ્ટીફન ફ્લેમિંગનું ઇંગ્લેન્ડની પુરુષ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ બનવાનું છે, જેમણે 16 વર્ષ સુધી સીએસકે સાથે આ ભૂમિકા ભજવી હતી.

કોચિંગ સ્ટાફમાં થયેલા આ બદલાવને કારણે ફ્રેન્ચાઈઝી સાથે એક દાયકા કે તેથી વધુ સમયથી જોડાયેલા ઘણા સિનિયર સપોર્ટ સ્ટાફ સભ્યોએ ટીમનો સાથ છોડી દીધો છે. જેમાં બેટિંગ કોચ માઈક હસી, બોલિંગ કોચ એરિક સિમન્સ, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ ગ્રેગ કિંગ અને ફિઝિયોથેરાપિસ્ટ ટોમી સિમસેક સામેલ છે. જોકે, ફ્રેન્ચાઈઝીએ ગત સિઝનના સહાયક બોલિંગ કોચ શ્રીધરન શ્રીરામ, ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટર અને સિનિયર અધિકારી એ.આર. શ્રીકાંતને પોતાની સાથે જાળવી રાખ્યા છે.

નવા નિયુક્ત કોચોમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર અલ્બી મોર્કલનો સીએસકે સાથે જૂનો ઇતિહાસ રહ્યો છે. તેમણે 2008 ની પહેલી સિઝનથી 2013 સુધી ટીમ માટે 78 મેચોમાં 827 રન બનાવ્યા હતા અને 76 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, મોહિત શર્માએ 2013 થી 2019 વચ્ચે ચાર સિઝન સુધી સીએસકેનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 48 મેચોમાં 58 વિકેટ લીધી હતી. નોંધનીય છે કે મોહિતે ડિસેમ્બર 2025 માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લીધો હતો. બીજી તરફ, ઇંગ્લેન્ડના પૂર્વ ઓફ સ્પિનર ગેરેથ બેટીને પણ કોચિંગ સેટઅપમાં સામેલ કરવામાં આવ્યા છે, જેઓ સરે અને ધ હન્ડ્રેટ ટૂર્નામેન્ટમાં સફળ કોચિંગ બાદ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular