અમદાવાદ, 28 ઓક્ટોબર, 2026 : Tourist caught with gold worth Rs 72 lakh at S P International Airport શહેરના એસપી પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી ડ્રગ્સ અને સોનું અવાર-નવાર પકડાતું હોય છે. ખાસ કરીને ખાડીના દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર કસ્ટમ વિભાગની બાજ નજર હોય છે. ત્યારે શારજહાંથી આવેલા પ્રવાસી પાસેથી રૂપિયા 72.28 લાખની કિમતનું સોનું પકડાયુ છે.
શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શારજહાંથી આવેલી ફ્લાઈટના એક પ્રવાસીના લગેજની કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટે તપાસ કરતા તેની ટ્રોલી બેગમાં 495.04 ગ્રામ 24 કેરેટ સોનું પકડાયુ હતું. પકડાયેલા સોનાની કિંમત રૂપિયા 72.28 લાખની હોવાનું કહેવાય છે.
શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ પ્રવાસી પ્રોફાઇલિંગના આધારે 27 ઓક્ટોબરને મંગળવારના રોજ શારજાહથી અમદાવાદ આવેલી ફ્લાઈટના પ્રવાસીને અટકાવ્યો હતો. પ્રવાસીના ચેક-ઇન બેગેજના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ ઈમેજ જોવા મળી હતી. ત્યારબાદ ટ્રોલી બેગની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા બેગની અંદર એક વધારાનું લેયર અને પેચ મળી આવ્યો હતો. ટ્રોલી બેગ ખોલીને અંદરની પ્લાસ્ટિક લેયર દૂર કરતાં તેની અંદરની બાજુએ કાળા રંગની અત્યંત પાતળી પ્લાસ્ટિક શીટ ચોંટાડેલી મળી આવી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ આ પ્લાસ્ટિક શીટ દૂર કરતાં તેની નીચે એકસરખી રીતે ગોલ્ડ પેસ્ટ છુપાવવામાં આવી હતી ગોલ્ડ પેસ્ટને બહાર કાઢીને ઓગાળવામાં આવતા કુલ 495.04 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું હતું. સોનાની દાણચોરીના આ કેસમાં પ્રવાસીની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે ગોલ્ડ તસ્કરીમાં કોણ કોણ સંડોવાયેલ હતું.


