નવી દિલ્હી, 21 ઓક્ટોબર 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે ભારતને 31 ડિસેમ્બર, 2029 સુધીમાં સંપૂર્ણપણે નશા-મુક્ત (ડ્રગ્સ-ફ્રી) બનાવવાની એક મહત્વકાંક્ષી જાહેરાત કરી છે. રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી સ્થિત નેશનલ પોલીસ મેમોરિયલ ખાતે આયોજિત ‘પોલીસ સ્મૃતિ દિવસ’ના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે દેશભરમાંથી નશીલા પદાર્થોનું દૂષણ જડમૂળથી ઉખાડી ફેંકવા હાકલ કરી હતી. પોલીસ સ્મૃતિ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશના તમામ પોલીસ દળોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ નશા-મુક્ત ભારતના રોડમેપ પર સંપૂર્ણ દ્રઢતાથી કામ કરવા અને આવનારી પેઢીઓને નશાના દુષ્પ્રભાવથી બચાવવા આહ્વાન કર્યું હતું.
પોલીસ સ્મૃતિ દિવસ પર આયોજિત શ્રદ્ધાંજલિ સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, “અમે 31 ડિસેમ્બર, 2029 સુધીમાં દેશમાંથી ડ્રગ્સની સમસ્યાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.” આ ઐતિહાસિક લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે તેમણે 2026 ના બાકી રહેલા સમયગાળા અને આગામી ત્રણ વર્ષ દરમિયાન નશીલા પદાર્થોના નેટવર્ક સામે સમગ્ર દેશે એકજૂથ થઈને લડાઈ લડવાની અપીલ કરી હતી. ડ્રગ્સની સમસ્યાને દેશ માટે ગંભીર પડકાર ગણાવતા તેમણે ઉમેર્યું કે, આ દૂષણ યુવા પેઢીને બરબાદ કરે છે, દેશની અર્થવ્યવસ્થા પર બિનજરૂરી બોજ નાખે છે અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા સંગઠનોને નાણાકીય મદદ પહોંચાડે છે.
-
શહીદ જવાનોને ભાવાંજલિ: આ વર્ષે 154 જવાનોનું સર્વોચ્ચ બલિદાન
ગૃહ મંત્રી અમિત શાહે દેશના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા તેમના પરિવારજનો પ્રત્યે એકજૂથતા વ્યક્ત કરી હતી. તેમણે આંકડા આપતા જણાવ્યું કે, આઝાદી પછીથી અત્યાર સુધીમાં દેશની સુરક્ષા અને આંતરિક શાંતિ જાળવતા ૩૬,૮૫૨ પોલીસ જવાનોએ પોતાની ફરજ દરમિયાન બલિદાન આપ્યું છે, જેમાં માત્ર આ વર્ષે જ ૧૫૪ બહાદુર જવાનોએ શહાદત વહોરી છે. સમગ્ર દેશ શહીદો અને તેમના પરિવારોનો સદૈવ ઋણી રહેશે.
-
21 ઓક્ટોબરનો ઐતિહાસિક સંદર્ભ
21 ઓક્ટોબર, 1959 ના રોજ લડાખના હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં ભારે હથિયારોથી સજ્જ ચીની સૈનિકોના અચાનક હુમલા સામે લડતા લડતા ભારતીય પોલીસના 10 બહાદુર જવાનો શહીદ થયા હતા. આ વીરોની શહાદતની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસને સમગ્ર દેશમાં ‘પોલીસ સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના તમામ પોલીસ કર્મચારીઓના અતુલ્ય સમર્પણ અને ત્યાગને સન્માનિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018 માં દિલ્હીના ચાણક્યપુરી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘નેશનલ પોલીસ મેમોરિયલ’ દેશને સમર્પિત કર્યું હતું.


