ન્યૂયોર્ક, 21 ઓક્ટોબર 2026: અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે ગૂગલના એક પૂર્વ એન્જિનિયર સાથે જોડાયેલી પાંચ ચીની કંપનીઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. ગૂગલના આ પૂર્વ કર્મચારી પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજી અને મહત્વપૂર્ણ બૌદ્ધિક સંપદાની ચોરી કરવાનો ગંભીર આરોપ છે. અમેરિકાની આ કડક કાર્યવાહી સામે ચીનના વાણિજ્ય મંત્રાલયે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને તેને ગેરવ્યાજબી ગણાવી છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અમેરિકાના આ એકતરફી પગલાથી ચીની કંપનીઓના કાયદેસરના અધિકારો અને આર્થિક હિતોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. મંત્રાલયે આ કાર્યવાહીને અત્યંત ગંભીર ગણાવતા અમેરિકાને પોતાની ભૂલ ત્વરિત સુધારવા અપીલ કરી છે. આ સાથે જ ચીને ચેતવણી આપી છે કે તે પોતાના હિતોના રક્ષણ માટે જરૂરી વળતા પગલાં ભરશે, જોકે તેમણે ચોક્કસ પગલાં અંગે સ્પષ્ટતા કરી નથી.
અમેરિકી વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધો લિનવેઇ ડિંગ નામના ચાઇનીઝ એન્જિનિયર અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર લાદવામાં આવ્યા છે. લિનવેઇ ડિંગે ચીનમાં ‘શાંઘાઈ ઝિસુઆન ટેકનોલોજી’ નામે એક કંપની બનાવી હતી. ડિંગે ગૂગલમાં પોતાના કામના અનુભવનો દાવો કરીને રોકાણકારોને જણાવ્યું હતું કે તેની કંપની ગૂગલની સુપર ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી મૂળભૂત એઆઈ ટેક્નોલોજીને પુનઃ તૈયાર કરી શકે છે.
-
ચીનનો દાવો: “અમારો AI વિકાસ સ્વતંત્ર સંશોધનનું પરિણામ”
અમેરિકાએ પ્રતિબંધિત કરેલી પાંચ કંપનીઓમાં લિનવેઇ ડિંગની મુખ્ય કંપની ‘શાંઘાઈ ઝિસુઆન ટેકનોલોજી’, તેને પ્રારંભિક ફંડિંગ આપનાર સ્ટાર્ટઅપ પ્રોગ્રામ ‘મિરેકલપ્લસ’ અને તેની સાથે જોડાયેલી અન્ય ત્રણ ચીની સંસ્થાઓનો સમાવેશ થાય છે. અમેરિકી તપાસ સંસ્થાઓનો આરોપ છે કે આ કંપનીઓએ જાન્યુઆરી 2023 પછી અમેરિકી નાગરિકો અને ટેક કંપનીઓના ગુપ્ત વ્યાપારી રહસ્યોની મોટા પાયે ચોરી કરી તેનો નાણાકીય લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, લિનવેઇ ડિંગ પર વર્ષ 2024માં ગૂગલમાં કામ કરતી વખતે ગુપ્ત રીતે ચીનની બે કંપનીઓ માટે કામ કરવાનો અને ગૂગલના અત્યંત ગોપનીય એઆઈ રહસ્યો ચોરવાનો કેસ નોંધાયો હતો. સેન ફ્રાન્સિસ્કોની અદાલતે તેને વ્યાપારી ચોરીના કેસમાં દોષી ઠેરવી 12 મહિનાની જેલની સજા સંભળાવી હતી. જોકે, આર્થિક જાસૂસીના કેટલાક આરોપો ફગાવી દેવાતા હાલ અમેરિકાનું ન્યાય મંત્રાલય તે નિર્ણાયક ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ કરી રહ્યું છે.
બીજી તરફ, ચીને અમેરિકાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ચીનનો એઆઈ ક્ષેત્રે થયેલો વિકાસ એ લાંબા ગાળાના પાયાના સંશોધન અને વૈજ્ઞાનિક ક્ષમતાનું પરિણામ છે. ચીનની ટેકનોલોજીકલ સફળતાઓને અમેરિકી રહસ્યોની ચોરી સાથે કોઈ સંબંધ નથી.


