રાજકોટ, 25 ઓક્ટોબર, 2026 : RMC to hold 4-day illuminated carnival on Racecourse Ring Road શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન એટલે કે 5મીથી 8મી નવેમ્બર સુધી શહેરના રેસકોર્સ રીંગ રોડ પર રંગબેરંગી દિવાળી કાર્નિવલનું અતિ ભવ્ય આયોજન કરાયું છે. રેસકોર્સ રિંગરોડને આકર્ષક અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે, જેથી આખો વિસ્તાર ઝગમગી ઉઠશે. નવરાત્રીના બાદ હાલમાં બજારોમાં અને નાગરિકોમાં દિવાળીની ચમક અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ ઉત્સવને વધુ દિવ્ય અને આકર્ષક બનાવવા માટે ટેન્ડર સહિતની તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં આરએમસી દ્વારા દિવાળીના તહેવારોમાં રેસકોર્સ રિંગ રોડ પર રોશનીભર્યા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસીય મહોત્સવ દરમિયાન બારસ, ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એમ સળંગ ચાર દિવસ સુધી રેસકોર્સ રિંગરોડને આકર્ષક અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે, જેથી આખો વિસ્તાર ઝગમગી ઉઠશે. આ કાર્યક્રમોમાં રંગોળી સ્પર્ધા અને વિશેષ આતશબાજી જેવા અનેક આકર્ષણોનો સમાવેશ કરાયો છે, જેનાથી શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ જશે. પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 6 નવેમ્બરના રોજ ધનતેરસના પાવન અવસરે સાંજે સાત વાગ્યે રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાશે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો આ આતશબાજીના કાર્યક્રમને ઉત્સાહથી નિહાળશે. આકાશમાં રંગબેરંગી રોશનીનો અદભુત અને મનમોહક નજારો સર્જાય તે માટે આ સ્ટેડિયમ ખાતે બારસોથી વધુ આકર્ષક ફટાકડા ફોડવામાં આવશે.
દરવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પૂર્વે વાઘ બારસથી લઈને દિવાળી સુધી આખો રિંગરોડ આધુનિક અને આકર્ષક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવશે. તંત્ર દ્વારા કરાયેલા આ સુંદર આયોજનથી રાજકોટવાસીઓ દિવાળીના તહેવારને ઉત્સાહભેર ઉજવી શકશે અને રંગીલું રાજકોટ રંગબેરંગી રોશનીનાં રંગે રંગાઈ જશે. લોકોમાં પણ આ કાર્યક્રમોને લઈ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ દીપાવલી પર્વની ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.


