અમદાવાદ, 25 ઓક્ટોબર, 2026 : Kartik-Magshar are not auspicious times for marriage દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ નૂતન વર્ષમાં તુલસી વિવાહ બાદ લગ્નસરાની સીઝન શરૂ થતી હોય છે. પણ આ વખતે કારતક અને માગશર મહિનામાં સિંહસ્થ ગુરુની છાયા અને મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં ગુરુનું પરિભ્રમણ હોવાના કારણે લગ્નો માટેનું શુભમૂહુર્ત ન હોવાથી લગ્નોની શરણાઈઓ પોષ વદ ચોથ એટલે કે 26મી જાન્યુઆરીથી જ ગુંજશે. એવું કર્મકાંડી પંડિતોનું માનવું છે.
અમદાવાદના એક જાણીતા કર્મકાંડી પંડિતના કહેવા મુજબ સામાન્ય રીતે તુલસી વિવાહથી હિન્દુ ધર્મમાં વિવાહના શુભ મુહૂર્તની શરણાઈઓ વાગવા લાગતી હોય છે, પરંતુ વિક્રમ સંવત 2083ના પ્રારંભે આ પરંપરામાં શાસ્ત્રોક્ત વિરામ આવશે. કારતક અને માગશર મહિનામાં સિંહસ્થ ગુરુની છાયા અને મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં ગુરુનું પરિભ્રમણ હોવાના કારણે એક પણ લગ્નનું મુહૂર્ત નથી. પોષ વદ ચોથ, એટલે કે 26 જાન્યુઆરી 2027થી જ વિવાહનો પ્રથમ શુભ સંયોગ રચાશે.
તેમણે કહ્યું હતું કે, દેશમાં ધાર્મિક આસ્થા અને લગ્ન પ્રસંગો એકબીજા સાથે વણાયેલા છે. ગ્રહ-નક્ષત્રોની વિશેષ સ્થિતિને કારણે આ વખતે કારતક સુદ એકાદશી (તુલસી વિવાહ) પછી પણ લગ્નની શરણાઈઓ ગૂંજશે નહીં. શાસ્ત્રાનુસાર, સિંહસ્થ ગુરુ દરમિયાન મંગળ કાર્યો અવિહિત ગણાય છે. આ નિર્ણયથી લગ્નગાળાની આતુરતાથી રાહ જોઈ રહેલા પરિવારજનોએ થોડી પ્રતીક્ષા કરવી પડશે. 26 જાન્યુઆરી 2027થી લગ્નગાળો ખુલતા જ ગોર મહારાજ, મંડપ સર્વિસ, કેટરિંગ અને વિવાહ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયીઓની માંગમાં અચાનક ભારે ઉછાળો જોવા મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યોતિષશાસ્ત્ર અને ધર્મસિંઘુ ગ્રંથો અનુસાર, જ્યારે ગુરુ ગ્રહ સિંહ રાશિમાં અથવા મઘા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને અતિ દૂષિત ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કન્યા કે વર માટે ગુરુબળ ક્ષીણ થાય છે. આથી જ સૌભાગ્ય અને વંશવૃદ્ધિ માટે શુભ મનાતા વિવાહ સંસ્કાર વર્જિત રખાય છે.


