અમદાવાદ, 02 નવેમ્બર, 2026 : Firecracker prices increase by 20 to 30 percent પ્રકાશનું પર્વ દીપાવલિને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના રાયપુર દરવાજા તેમજ દિલ્હી દરવાજા શાહપુરના ફટાકડા બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. જોકે આ વર્ષે ગત વર્ષની તુલનાએ ફટાકડાના ભાવમાં 20થી 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. શહેરના નદીપારના વિસ્તારોમાં રોડ સાઈડ પર ફટાકડા વેચાણ માટે લારીઓ ઊભેલી જોવા મળી રહી છે. તેમજ ફટાકડાના વેચાણ માટે ઘણા સ્ટોલ પર લાગી ગયા છે.
અમદાવાદ શહેરમાં હોલ સેલર્સ એક ફટાકડાના વેપારીના કહેવા મુજબ ફટાકડાના મોટા ઉત્પાદકો ગુજરાત બહારના છે. એટલે બહારના રાજ્યોમાંથી ફટાકડા લાવવા માટે ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચ પણ વધી ગયો છે. ઉપરાંત ફાયર બ્રિગેડ, પોલીસ સહિત એજન્સીઓના લાયસન્સ લેવા માટેની જફા પણ વધી ગઈ છે. કાચા માલમાં વધારો થતાં ઉત્પાદકોને ફટાકડાના ભાવમાં વધારો કર્યો છે. તેથી ગત વર્ષ કરતા આ વર્ષે ફટાકડાના ભાવમાં 20 થી 30 ટકાનો સરેરાશ વધારો થયો છે.
ફટાકડાના અન્ય વેપારીઓના કહેવા મુજબ રો-મટીરીયલના ભાવમાં વધારો થતા અને શિવાકાશીમાં પ્રોડક્શન ઓછું થવાના કારણે આ વર્ષે ફટાકડાના ભાવમાં વધારો થયો છે. ભાવ વધ્યા હોવા છતાં નવી વેરાયટીનું આકર્ષણ યથાવત છે. આ વર્ષે ટ્રેન્ડ સંપૂર્ણ બદલાયો છે. કોઠી અને ચકરીની ડિમાન્ડ નહિવત થઈ ગઈ છે, જેની જગ્યા નવી ફેન્સી આતશબાજીએ લીધી છે. લોલીપોપ પેન્સિલ, પિઝા ટાઈમ ફાઉન્ટેન અને ગન ફાઉન્ટેન બાળકોમાં સૌથી વધુ ડિમાન્ડમાં છે. નાના બાળકો માટે 0.5 ઇંચના સુરક્ષિત ગુબ્બારા અને મોટાઓ માટે 2થી 7 ઇંચના સ્કાય શોટ અને બાબુ શોટની માંગ વધુ છે. અત્યાર સુધી 3.5 ઇંચ સુધીના ગુબ્બારા આવતા હતા પરંતુ, આ વર્ષે પહેલીવાર 7 ઇંચ સુધીના મોટા શોટ આવ્યા છે. આ ઉપરાંત ડોલર-પોકર વ્હીલ ચકરી, લેઝર શો કોઠી અને 10થી 15 ફૂટ સુધી દોડતી શિકા રનિંગ કાર યુવાનોમાં હિટ છે.


