Homeગુજરાતીગુજરાતસુરતના ઉધના રેલવે સ્ટેશન પર યુપી-બિહાર જવા પ્રવાસીઓની હૈયેહૈયું દળાય એવી ભીડ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર યુપી-બિહાર જવા પ્રવાસીઓની હૈયેહૈયું દળાય એવી ભીડ

સુરત, 02 નવેમ્બર, 2026 : Huge crowd of tourists at Udhna railway station શહેરના ટેક્સટાઈલ્સ સહિત જુદા જુદા ઉદ્યોગોમાં યુપી, બિહાર સહિત પરપ્રાંતના અનેક લોકો કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. યુપી સહિતના રાજ્યોમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. છઠ્ઠ અને દિવાળી પર્વ નજીકમાં હોવાથી પરપ્રાંતના લોકો પર્વ મનાવવા માટે પોતાના માદરે વતન જઈ રહ્યા છે. તેના લીધે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર યુપી-બિહાર જવા માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશનનો હોલ્ડિંગ એરિયા શનિવારની રાતથી  જ પ્રવાસીઓથી ખીચોખીચ ભરાઈને હાઉસફુલ થઈ ગયો હતો. જોકે, રેલવે તંત્ર દ્વારા રાતથી સવાર સુધીમાં 6 વિશેષ ટ્રેનો દોડાવીને લગભગ 25 હજાર લોકોને રવાના કરાતા સવારે હોલ્ડિંગ એરિયા અંશતઃ ખાલી થયો હતો અને મુસાફરો સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. દિવાળી અને લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજા નિમિત્તે વતન જતા પ્રવાસીઓ માટે ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનું સૌથી મોટું પેસેન્જર હોલ્ડિંગ એરિયા (યાત્રી સુવિધા કેન્દ્ર) તૈયાર કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં અગાઉ બનેલા 5 થી 6 હજાર સ્ક્વેર ફૂટના પેસેન્જર સેન્ટર કરતાં પણ બમણાથી વધુ, એટલે કે અંદાજે 10,000થી વધુ વિસ્તારમાં આ ભવ્ય સેન્ટર ઊભું કરાયું છે. સંપૂર્ણપણે એરપોર્ટ ટર્મિનલ જેવો લુક ધરાવતા આ હાઇટેક હોલ્ડિંગ એરિયામાં એક જ સમયે 10,000થી 15,000 પ્રવાસીઓ આસાનીથી રોકાઈ શકે તેવી ક્ષમતા વિકસાવવામાં આવી છે.

ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓએ જણાવ્યું હતું કે,રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થા સારી કરવામાં આવી છે, પરંતુ પ્રવાસીઓની એક સાથે ભીડ વધી જતા થોડી અવ્યવસ્થા સર્જાઈ હતી. દરેકને પોતાના વતન જવાની ઉતાવળ હોય તે સ્વાભાવિક છે. ઘણાબધા પ્રવાસીઓ સવારે 4 કે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં ટ્રેન પકડી શકતા નથી. બધા પ્રવાસીઓ એક જ જગ્યાએ ભેગા થવાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે, જેથી સુવ્યવસ્થિત આયોજન જરૂરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular