અમદાવાદ, 02 નવેમ્બર, 2026 : Two travelers caught with 13 kg of ganja શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા બેંગકોકથી ફ્લાઇટ નંબર TG-343 માં આવેલા બે પ્રવાસીઓ 13.012 કિલોગ્રામ હાઇડ્રોપોનિક્સ મેરિજુઆના (ગાંજો) સાથે પકડાયા છે. આ મામલે કસ્ટમ્સે બંને પ્રવાસીઓ એવા મહિલા અને પુરૂષની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે તા. 1 નવેમ્બરના રોજ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમના અધિકારીઓએ બે પ્રવાસીઓને શંકાના આધારે અટકાવ્યા હતા. પ્રવાસીઓના ચેક-ઇન ટ્રોલી બેગનું એક્સ-રે સ્ક્રીનિંગ કરવામાં આવતા શંકાસ્પદ ઈમેજ જોવા મળી હતી. ત્યારબાદ બંને ટ્રોલી બેગની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી કુલ 14 વેક્યૂમ સીલ પેકેટ મળી આવ્યા હતા. પેકેટોમાં રહેલા પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરતાં તે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. કસ્ટમ્સ દ્વારા જપ્ત કરાયેલા હાઇડ્રોપોનિક્સ મેરિજુઆનાનું કુલ વજન 13.012 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. આ પ્રતિબંધિત જથ્થો NDPS Act, 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે બંને પ્રવાસીઓની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતા મૂળ સુરતના હોવાનું ખુલ્યું હતું અને મહિલા અને પુરુષ બન્ને બેંગકોકથી પરત અમદાવાદ એરપોર્ટ પર આવતા ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કસ્ટમ વિભાગે ડ્રગ્સ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને તેની આગળ ક્યાં ડિલિવરી થવાની હતી તે સહિતના મુદ્દે કસ્ટમ્સ દ્વારા તપાસ ચાલી રહી છે.


