નવી દિલ્હી, 26 ઓક્ટોબર 2026: દેશમાં હરિત ઇંધણ અને પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારાની સત્તાવાર અધિસૂચના જારી કરી દીધી છે. આ સુધારા બાદ હવે 100 ટકા ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના ઉત્પાદન અને સંચાલન માટેનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપનીઓ ટૂંક સમયમાં જ પોતાના ઈ-100 ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ્સ ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે આ નિર્ણય આવ્યો છે.
અધિકારીઓ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, નવા સુધારા હેઠળ વાહનોના ઉત્સર્જન સંબંધિત જોગવાઈઓને અપડેટ કરવામાં આવી છે. હવે ઉત્સર્જન માનકોમાં ઈ-85 ઇંધણની સાથે ઈ-100 ને પણ સત્તાવાર રીતે સામેલ કરી લેવાયું છે. જોકે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે ઈ-85 અને ઈ-100 ઇંધણ માત્ર એ જ વાહનોમાં વાપરી શકાશે કે જે ખાસ કરીને આ ઉચ્ચ-ઇથેનોલ મિશ્રણ પર ચાલવા માટે ડિઝાઇન અને પ્રમાણિત કરવામાં આવ્યા હોય.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સામાન્ય વાહન માલિકોએ ગભરાવાની જરૂર નથી. પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે આ નિયમ સામાન્ય પેટ્રોલ કે ઈ-20 ઇંધણ પર ચાલતા વર્તમાન વાહનો પર લાગુ થશે નહીં. સામાન્ય ગાડીઓમાં ઈ-85 કે ઈ-100 ઇંધણનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત, વર્તમાન વાહન માલિકોએ પોતાના વાહનમાં ઈ-85 પર સ્વિચ કરવાની કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો ટેકનિકલ ફેરફાર કરાવવાની બિલકુલ જરૂર નથી.
-
શું છે ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી?
ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ હાલમાં બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં વ્યાપકપણે થઈ રહ્યો છે. આ ટેકનોલોજી ધરાવતા વાહનોને એક જ ફ્યુઅલ ટેન્કમાં પેટ્રોલ અને ઇથેનોલના જુદા જુદા મિશ્રણ પર ચાલવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવે છે. વાહનના સર્ટિફિકેશન મુજબ તે ઈ-85 થી લઈને ઈ-100 (જેમાં મુખ્યત્વે 100 ટકા ઇથેનોલ હોય છે) સુધીના ઇંધણ પર સરળતાથી ચાલી શકે છે.
પારંપરિક પેટ્રોલની સરખામણીએ ઇથેનોલનો કાર્બન ફૂટપ્રિન્ટ ઘણો ઓછો હોય છે. વાહનોમાં ઉચ્ચ ઇથેનોલ મિશ્રણનો ઉપયોગ થવાથી સાયલેન્સરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ અને નુકસાનકારક હાઇડ્રોકાર્બનના ઉત્સર્જનમાં ભારે ઘટાડો થશે. આ ઉપરાંત, દેશમાં ઇથેનોલનો વપરાશ વધવાથી ભારતની કાચા તેલના આયાત પરની નિર્ભરતા ઘટશે, જેનાથી દેશની વિદેશી હૂંડિયામણની પણ મોટી બચત થશે.


