અયોધ્યા, 26 ઓક્ટોબર 2026: અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાનમાં આવી રહેલા ફેરફાર અને શિયાળાની ઋતુની શરૂઆતને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રશાસન દ્વારા પૂજા-અર્ચના, આરતી અને દર્શનની દિનચર્યામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા સવારે પહલી આરતીથી લઈને રાત્રે મંદિરના કપાટ બંધ થવા સુધીના સમગ્ર સમયપત્રક પર અસર કરશે, તેથી દર્શનાર્થીઓએ હવે પોતાના દર્શન, ભોગ અને વિશ્રામના સમયની ખાસ નોંધ રાખીને યાત્રાનું આયોજન કરવું પડશે.
મંદિર પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ, આગામી 1 નવેમ્બરથી રામલલાની દિનચર્યા નવા સમયપત્રક અનુસાર ચાલશે. નવા નિયમ મુજબ હવે મંદિરના કપાટ સવારે 3.45 વાગ્યાના બદલે સવારે 4.00 વાગ્યે ખોલવામાં આવશે. ત્યારબાદ સવારે 4.30 વાગ્યે મંગળા આરતી અને સવારે 6.30 વાગ્યે શ્રૃંગાર આરતી સંપન્ન થશે. આ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સવારે 7 વાગ્યાથી તમામ શ્રદ્ધાળુઓ માટે રામલલાના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.
દર્શનના સમય દરમિયાન ભગવાનના ભોગ અને વિશ્રામ માટે પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. સવારે 8 થી 8.10 વાગ્યા સુધી બાલભોગ માટે મંદિરના કપાટ બંધ રહેશે. ત્યારપછી સવારે 11.30 થી બપોરે 12 વાગ્યા સુધી રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે બપોરે 12.30 થી 1.30 વાગ્યા સુધી રામલલાનો વિશ્રામ સમય નક્કી કરાયો છે. આ વિશ્રામ કાળ પૂર્ણ થયા બાદ બપોરે 1.35 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ફરીથી દર્શન શરૂ કરી દેવાશે.
સાંજની દિનચર્યાની વાત કરીએ તો, સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી યોજાશે અને રાત્રે 9.30 વાગ્યે શયન આરતી કરવામાં આવશે. શયન આરતી બાદ રાત્રે 10 વાગ્યે મંદિરના કપાટ પૂર્ણપણે બંધ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાત્રે 10.30 વાગ્યે મંદિર બંધ થતું હતું, જેમાં હવે અડધો કલાકનો ઘટાડો કરીને 10 વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી આવનાર તમામ ભક્તોએ આ નવા સમયપત્રકને ધ્યાનમાં રાખીને અયોધ્યા જવું પડશે.


