ગાંધીનગર, 2 નવેમ્બર, 2026 – Vigilance Awareness: Directorate of Information સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત ગાંધીનગર સ્થિત માહિતી નિયામકશ્રીની કચેરી ખાતે અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટની અધ્યક્ષતામાં કચેરીના તમામ અધિકારીઓ અને કર્મયોગીઓએ ‘ફરજ પ્રત્યે નિષ્ઠા’ના શપથ લીધા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ કર્મયોગીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારી સાથે નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. સરકારી કામગીરીમાં ઈમાનદારી, નૈતિક મૂલ્યો અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવવા સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન અને પારદર્શક વહીવટ માટે જનજાગૃતિ કેળવવાના હેતુસર રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તા. ૩૧ ઓક્ટોબરથી તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની ઉજવણીની મુખ્ય થીમ “Probity for Prosperity – સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ” રાખવામાં આવી છે. સમાજમાં પ્રમાણિકતા, નૈતિક મૂલ્યો અને સક્રિય નાગરિકતાની ભાવનાને દૃઢ કરવાનો આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સતર્કતા જાગૃતિ સપ્તાહની આ ઉજવણીનો આશય વહીવટી તંત્રમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારીની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવી ભ્રષ્ટાચારમુક્ત અને નૈતિક મૂલ્યો આધારિત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો છે.


