ઢાકા, 03 નવેમ્બર 2026: બાંગ્લાદેશમાં લઘુત્તમ માસિક વેતનમાં વધારાની 12,500 ટકા (બાંગ્લાદેશી ચલણ) થી વધારીને 30,000 ટકા કરવાની માગણી સાથે ગાર્મેન્ટ કામદારો દ્વારા કરવામાં આવેલું આંદોલન હિંસક બની ગયું છે. રાજધાની ઢાકા તેમજ ગાઝીપુર અને સાવર-અશુલિયામાં આગચંપી, હાઈવે જામ કરવા અને પોલીસ સાથે ઘર્ષણની ઘટનાઓ બાદ, 600થી વધુ કારખાનાઓમાં કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.
ફેક્ટરીઓમાં કામગીરી બંધ થવાને કારણે 17 લાખ કર્મચારીઓ પ્રભાવિત થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને અત્યાર સુધીમાં 82 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે.
હકીકતમાં, બાંગ્લાદેશમાં શનિવાર અને રવિવારે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ, સોમવારે ગારમેન્ટ ફેક્ટરીઓમાં કામકાજ થોડા સમય માટે ફરી શરૂ થયું હતું; પરંતુ, કામદારો અને પોલીસ વચ્ચે થયેલા નવા ઘર્ષણને કારણે સેંકડો ફેક્ટરીઓએ ફરી એકવાર ઉત્પાદન અટકાવી દેવું પડ્યું.
કામદારોની માંગણીઓ શું છે?
બાંગ્લાદેશમાં ગાર્મેન્ટ કામદારોનો પગાર 12,500 ટકા (taka) છે. કામદારો 30,000 ટકાના માસિક લઘુત્તમ વેતનની માંગ કરી રહ્યા છે. આ માંગ એવા સમયે ઉઠી છે જ્યારે સરકારે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે નવા પગાર ધોરણની જાહેરાત કરી છે, જેનાથી તેમના પગાર અને ભથ્થાં લગભગ બમણા થઈ જવાની અપેક્ષા છે.
જોકે, કારખાનાના માલિકો જણાવે છે કે તેઓ ઓર્ડરમાં ઘટાડો, ઉત્પાદનોના સ્થિર ભાવો અને આયાતી કાચા માલના વધતા ખર્ચ જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમણે દલીલ કરી છે કે, વર્તમાન સંજોગોમાં તેમના કર્મચારીઓની માંગણીઓ પૂરી કરવી મુશ્કેલ બનશે.
નોંધનીય છે કે જો બાંગ્લાદેશમાં આ વિરોધ પ્રદર્શનો લાંબા સમય સુધી ચાલુ રહે, તો તેની અસર આંતરરાષ્ટ્રીય વસ્ત્ર ખરીદદારો પર પડી શકે છે. કાપડ ઉદ્યોગ બાંગ્લાદેશ માટે વાર્ષિક આશરે 40 અબજ ડોલરની કમાણી કરે છે, જે દેશના જીડીપી (GDP) ના લગભગ 10% હિસ્સો ધરાવે છે.
વધુ વાંચો: ભારત-UAEના સંબંધોને મળશે નવી ઊંચાઈ! ઇનોવેશન ક્ષેત્રે વ્યૂહાત્મક સહયોગ પર સહમતિ


