નવી દિલ્હી, 3 નવેમ્બર 2026: ભારતીય સુરક્ષાદળોએ અરબી સમુદ્રમાં એક સાહસિક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને સોમાલી દરિયાઈ લૂંટારાઓના કબજામાંથી ઈરાનની ફિશિંગ બોટ ‘અઝિની’અને તેના 20 જેટલા ક્રૂ મેમ્બર્સને હેમખેમ બચાવી લીધા છે. આ સફળ ઓપરેશન બાદ નવી દિલ્હી સ્થિત ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના દૂતાવાસે ભારત સરકાર, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક કુશળતા, સાહસ અને ઉત્તમ સમન્વયની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
ઇરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, *”અમે ભારત સરકાર, ભારતીય નૌકાદળ અને વાયુસેનાનો હાર્દિક આભાર માનીએ છીએ. ફિશિંગ જહાજ ‘અઝિની’ ના 20 ઈરાની ક્રૂ મેમ્બર્સને દરિયાઈ લૂંટારાઓથી બચાવવા માટે એક સફળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.” દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું કે, “અમે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા દર્શાવવામાં આવેલા પ્રોફેશનલ અભિગમ, સાહસ અને ઉત્કૃષ્ટ તાલમેલને બિરદાવીએ છીએ. આ ઘટના માનવીય સહાય અને આપત્તિ રાહત પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે, અને એ પણ સાબિત કરે છે કે ભારત સરહદો પાર કરીને લોકોના જીવ બચાવવામાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ અભિયાન ઈરાન અને ભારત વચ્ચેની મિત્રતા, એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ છે.”
-
29 ઓક્ટોબરે થયો હતો ‘અઝિની’ જહાજનું અપહરણ
સોમાલી દરિયાઈ લૂંટારાઓ દ્વારા ગત મહિને 29 ઓક્ટોબરના રોજ ફિશિંગ જહાજ ‘અઝિની’ ને હાઇજેક કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ભારતીય નૌકાદળે મુંબઈથી 3 હજાર કિલોમીટરથી વધુ દૂર અરબી સમુદ્રમાં આશરે 48 કલાક સુધી એક અત્યંત સુનિયોજિત ઓપરેશન ચલાવ્યું હતું. આ સમગ્ર બચાવ અભિયાનની કમાન ભારતીય નૌકાદળના શક્તિશાળી યુદ્ધપોત INS કોલકાતા દ્વારા સંભાળવામાં આવી હતી.
ભારતીય વાયુસેનાના C-17 વિમાનની મદદથી નૌકાદળના ખતરનાક મરીન કમાન્ડોઝને પ્રિસિઝન એરડ્રોપ (સચોટ હવાઈ ડ્રોપ) દ્વારા સમુદ્રમાં ઉતારવામાં આવ્યા હતા, જેમણે આ ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. દરિયાઈ લૂંટારાઓ આ જહાજનો ઉપયોગ અન્ય વ્યાપારી જહાજો પર હુમલો કરવા માટે ‘મધર શિપ’ (બેઝ) તરીકે કરવાની યોજના બનાવી રહ્યા હતા, જેને ભારતીય દળોએ સમયસર નિષ્ફળ બનાવી દીધી.
-
રક્ષામંત્રી રાજનાથ સિંહે સેનાને પાઠવ્યા અભિનંદન
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ આ ભવ્ય સફળતા માટે ભારતીય નૌકાદળ અને વાયુસેનાને અભિનંદન પાઠવ્યા છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભારતના સંકલ્પને પુનઃ ઉચાર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, “2 નવેમ્બર 2026 ના રોજ, મુંબઈથી 3 હજાર કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં લૂંટારાઓના કબજામાંથી ફિશિંગ બોટ ‘અઝિની’ અને 20 ક્રૂ મેમ્બર્સને બચાવવા માટે ભારતીય નૌકાદળે 48 કલાક સુધી અદ્ભુત અભિયાન ચલાવ્યું. ભારતીય વાયુસેનાના સમયસરના સહયોગથી ભારે હથિયારોથી સજ્જ લૂંટારાઓના ચુંગાલમાંથી લોકોને સુરક્ષિત મુક્ત કરાવવા એ આપણી સેનાની ઉચ્ચ ઓપરેશનલ સજ્જતા દર્શાવે છે.” તેમણે ઉમેર્યું કે, “આ આપણા બહાદુર જવાનોની ક્ષમતા અને દ્રઢ સંકલ્પ દર્શાવે છે. ભારત ‘સુરક્ષિત સમુદ્ર’સુનિશ્ચિત કરવા અને એક મુક્ત, ખુલ્લા તથા સુરક્ષિત હિંદ મહાસાગર ક્ષેત્ર માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”


