ગાંધીનગર, 4 નવેમ્બર, 2026 : શહેરના મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે વિજ્ય મેળવ્યા બાદ મેયર સહિત પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ઠાકોર સમાજના યુવા નેતા 29 વર્ષીય રૂપસિંહ ઠાકોર તથા ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના મેયરપદે રૂપસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે. રૂપસિંહ ઠાકોર માત્ર 29 વર્ષના ભાજપના યુવા નેતા છે. ઉત્તર ગુજરાત અને ગાંધીનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠાકોર સમાજ નિર્ણાયક વોટબેંક ધરાવે છે. ઠાકોર સેનાના બેકગ્રાઉન્ડ ધરાવતા અને સામાન્ય આર્થિક-શૈક્ષણિક પૃષ્ઠભૂમિમાંથી આવતા યુવાને મેયર બનાવીને ભાજપના પ્રદેશ કમાન્ડે બે મોટા સંકેત આપ્યા છે, જેમાં પ્રથમ સમાજના છેવાડાના અને ગ્રામ્ય બેકગ્રાઉન્ડ ધરાવતા કાર્યકરને પણ સર્વોચ્ચ પદ મળી શકે છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાપદે પણ અનુભવી અને ચોક્કસ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓની વરણી કરવામાં આવી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનુભવી અને માણસા પટેલ સમાજના નેતા મહેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે બ્રાહ્મણ સમાજના અને પૂર્વ સંગઠન પ્રમુખના પત્ની અંજનાબેન મહેતાની વરણી કરવામાં આવી છે. જ્યારે મ્યુનિના શાસક પક્ષના નેતા તરીકે ક્ષત્રિય સમાજના નેતા જશપાલસિંહને મૂકીને રાજપૂત સમાજને સન્માન આપવાનો પ્રયાસ કરાયો છે, જ્યારે ઝુંડાલ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા સેજલબેનને દંડક પદે યથાવત રાખી મ્યુનિમાં ભળેલા નવા વિસ્તારોનું પ્રતિનિધિત્વ જાળવી રખાયું છે.


