Homeગુજરાતીગુજરાતપશુપાલકો રૂપિયા 229 ભરીને પશુ માટે મેળવી શકશે 40.000નું 1 વર્ષનું વીમા...

પશુપાલકો રૂપિયા 229 ભરીને પશુ માટે મેળવી શકશે 40.000નું 1 વર્ષનું વીમા કવચ

ગાંધીનગર, 5 નવેમ્બર, 2026 : Insurance cover for animals ગુજરાતના લાખો પશુપાલકોની આજીવિકાને મજબૂત આર્થિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને પશુપાલક-લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, “નેશનલ લાઈવસ્ટોક મિશન” અંતર્ગત ‘પશુધન વીમા સહાય યોજના’ની રાજ્યમાં સફળતાપૂર્વક અમલવારી કરવામાં આવી રહી છે.

મંત્રીએ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, પશુધન એ પશુપાલકની આજીવિકાનો મુખ્ય આધાર હોવાથી, અચાનક પશુના મૃત્યુના કિસ્સામાં થતા આર્થિક નુકસાન સામે પશુપાલક પરિવારને રક્ષણ આપવું એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

રાજ્યમાં અમલમાં મુકાયેલી આ વ્યવસ્થા મુજબ પશુપાલક માત્ર રૂ. ૨૨૯ પ્રતિ પશુ ચૂકવીને પોતાના પશુ માટે રૂ. ૪૦,૦૦૦ સુધીનું એક વર્ષનું વીમા કવચ મેળવી શકશે. પશુપાલકોને વીમા પ્રીમિયમમાં ૮૫% એટલે કે, રૂ. ૧,૩૦૦ પ્રતિ પશુની સહાય રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ યોજના હેઠળ પ્રતિ કુટુંબ ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ઊંટ, આખલા, બળદ અને પાડા જેવા મહત્તમ ૧૦ મોટા પશુ અથવા ૧૦૦ નાના પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાની જોગવાઈ રાખવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારત સરકાર દ્વારા ગુજરાત માટે રૂ. ૨૫૦ લાખની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. ૧૧૫ લાખની ફાળવણી થઈ ચૂકી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૫ લાખની ‘રાજ્ય પુરસ્કૃત પશુધન વીમા સહાય યોજના’ પણ મંજૂર કરાઈ છે.

વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષમાં રાજ્યના ૧,૦૦,૦૦૦ પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષ દરમિયાન રાજ્યમાં ૧૨,૨૨૮ પશુપાલકોના ૪૮,૬૯૫ પશુઓને આ યોજના હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

વર્તમાન સ્થિતિએ રાજ્યના ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર અત્યાર સુધીમાં ૮૭,૧૪૭ પશુઓના વીમા માટે અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. આ તમામ પાત્ર અરજીઓને વીમા કવચ હેઠળ આવરી લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.

પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ પશુપાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, પશુધનની સુરક્ષા એ જ પશુપાલકના પરિવારની સાચી આર્થિક સુરક્ષા છે. પશુપાલકો પોતાના પાત્ર પશુઓનો સમયસર વીમો કરાવી લે, પશુનો ઓળખ ટેગ જાળવી રાખે અને નોંધણી સમયે જરૂરી સાચી વિગતો દર્શાવે, જેથી મુશ્કેલીના સમયે ત્વરિત સહાય મેળવી શકાય.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular