જયપુર, 2 નવેમ્બર, 2026: Eight labourers die after getting electrocuted રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક દુર્ઘટના બની છે. ઉદયપુરવાટી તાલુકાના છાપોલી ગામમાં સોમવારે સવારે માર્ગ નિર્માણ કામગીરી દરમિયાન કરંટ લાગવાથી 8 મજૂરોના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ પામ્યા છે, જ્યારે 5 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
ઉદયપુરવાટીના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રોડ નિર્માણ દરમિયાન રેતી મિક્સ કરવા માટે ઉપયોગમાં લેવાતા એક મશીન ઉપરથી પસાર થઈ રહેલી હાઈટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી ગઈ હતી. હાઈટેન્શન લાઈન સ્પર્શતાની સાથે જ આખા મશીનમાં કરંટ દોડી ગયો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો તેની ઝપેટમાં આવી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ભગવાનારામ સૈની અને DSP સુગન સિંહ પણ સ્થળ પર પહોંચી ગયા હતા.
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઈજાગ્રસ્તોની સારવાર તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવાના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ અકસ્માત પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ઝુંઝુનૂમાં થયેલી દુર્ઘટનામાં કરંટ લાગવાથી શ્રમિકોના અકાળે થયેલા અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. સંબંધિત અધિકારીઓને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર કરાવવા, અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક તમામ શક્ય સહાય પૂરી પાડવા અને સમગ્ર ઘટનાની તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈશ્વર પાસે પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે, ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય અને શોકગ્રસ્ત પરિવારોને આ અસીમ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે.”


