ગાંધીનગર, 30 ઑક્ટોબર 2026 : PM Modi to inaugurate over 4300 Anganwadi centers ગુજરાતનાં બાળકોના સર્વાંગી વિકાસ, માતૃસ્વાસ્થ્ય અને કિશોરીઓના પોષણને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 30 ઑક્ટોબરના રોજ બનાસકાંઠાની ધરતી પરથી એક રાજ્યવ્યાપી મહત્ત્વની પહેલ અંતર્ગત ગુજરાતમાં આશરે 750 કરોડ રૂપિયાના ખર્ચે 4,300 થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તે અંતર્ગત 4,000થી વધુ નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે 300થી વધુ પૂર્ણ થયેલાં આધુનિક આંગણવાડી કેન્દ્રો લોકાર્પિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ આ પહેલ ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ, પ્રાથમિક શિક્ષણ, માતૃસ્વાસ્થ્ય અને કિશોરી કલ્યાણ ક્ષેત્રે હાથ ધરવામાં આવતી કામગીરીને વધુ મજબૂત બનાવશે. નવા ચાઇલ્ડ-ફ્રેન્ડ્લી આંગણવાડી કેન્દ્રો દ્વારા આશરે ચાર લાખ લાભાર્થીઓને સીધો લાભ મળવાનો અંદાજ છે, જેમાં આશરે ત્રણ લાખ બાળકો, 80 હજાર કિશોરીઓ તથા 35 હજાર સગર્ભા અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતના તમામ 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકા વિસ્તારોમાં 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંતર્ગત આ કેન્દ્રો દ્વારા 51 લાખથી વધુ લાભાર્થીઓ સુધી વિવિધ સેવાઓ પહોંચાડવામાં આવે છે. તેમાં છ વર્ષ સુધીનાં બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં ત્રણથી છ વર્ષનાં 16 લાખથી વધુ બાળકો આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યાં છે. તેમને પૌષ્ટિક નાસ્તા ઉપરાંત બપોરે ગરમ ભોજન પણ આપવામાં આવે છે. આંગણવાડીઓ બાળકોના પ્રારંભિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે.
નવા ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોની વિશેષતા એ છે કે તેમાં બાળકોને અનુકૂળ વાતાવરણ સાથે સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, વીજળી, બાળમૈત્રીપૂર્ણ ફર્નિચર અને ડિજિટલ શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. દિવ્યાંગ બાળકો માટે રેમ્પ અને હેન્ડરેલની વ્યવસ્થા, LED સ્માર્ટ ટીવી તથા પોષણ વાટિકા જેવી સુવિધાઓ પણ બાળકોના શિક્ષણ અને પોષણ અંગેની જાગૃતિને પ્રોત્સાહન આપશે. BALA એટલે કે ‘Building as Learning Aid’ની સંકલ્પના હેઠળ આંગણવાડીના મકાન, રંગો અને દીવાલો પણ બાળકોના શીખવાના માધ્યમ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાંધકામની ગુણવત્તા સુનિશ્ચિત કરવા IIT ગાંધીનગરના સહયોગથી પસંદગીનાં આંગણવાડી મકાનોનું થર્ડ પાર્ટી ટેકનિકલ નિરીક્ષણ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


