Homeગુજરાતીગુજરાતઅમદાવાદના સિન્ધુભવન રોડ પર AMC દ્વારા 175 મીટર ઊંચો આઈકોનિક ટાવર બનાવાશે

અમદાવાદના સિન્ધુભવન રોડ પર AMC દ્વારા 175 મીટર ઊંચો આઈકોનિક ટાવર બનાવાશે

અમદાવાદ, 30 ઑક્ટોબર 2026 : 175-meter-tall iconic tower on Sindhubhavan Road શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ નામનો 175 મીટર ઊંચો આઈકોનિક ટાવરનું નિર્માણ એએમસી દ્વારા કરાશે, શહેરના મેયર હિતેશભાઈ બારોટ, અને મ્યુનિ.કમિશનર બંછાનિઘિ પાનીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિટી સ્ક્વેર આઈકોનિક ટાવરનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટમાં આધુનિક આર્કિટેક્ચર સાથે વિવિધ જાહેર સુવિધાઓ, મનોરંજન, સાંસ્કૃતિક અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરની સ્કાયલાઇનમાં પણ આગવી ઓળખ ઊભી થશે.

શહેરના સિન્ધુભવન રોડ પર ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ના આઈકોનિક બહુમાળી ટાવરમાં ગ્રાઉન્ડ લેવલથી અંદાજિત 15 મીટર ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવવાનું આયોજન છે. જેમાં બેઝમેન્ટ-1માં અંદાજિત 195 કાર, બેઝમેન્ટ-2માં અંદાજિત 190 કાર તથા બેઝમેન્ટ-3માં અંદાજિત 1109 ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ લેવલથી ઉપર લોઅર ગ્રાઉન્ડ તથા અપર ગ્રાઉન્ડ વિકસાવવામાં આવશે. લોઅર ગ્રાઉન્ડ ખાતે શોપ્સ તથા આર્ટ ગેલેરી વિકસાવવાનું આયોજન છે, જેના દ્વારા કોમર્શિયલ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેની સુવિધા ઊભી થશે. અપર ગ્રાઉન્ડ ખાતે ચારેય ખૂણામાં ફૂડ કિઓસ્ક તથા 310 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર, ગાર્ડન, ફૂડ કોર્ટ, બેસવાની વ્યવસ્થા તથા વોટર ફાઉન્ટેન સહિતની સુવિધાઓ સાથે અર્બન પ્લાઝા વિકસાવવામાં આવશે.

‘અમદાવાદ સિટી સ્ક્વેર’માં અંદાજિત 175 મીટર ઊંચાઈનો આઇકોનિક ટાવર વિકસાવવાનું આયોજન છે. ટાવરમાં અંદાજિત 40 મીટરની ઊંચાઈએ બે માળની રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે, જેમાં એકસાથે અંદાજિત 1200થી વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા રહેશે. રેસ્ટોરન્ટની ઉપર ટેરેસ ડેક કેફે વિકસાવવામાં આવશે, જેમાં અંદાજિત 200 વ્યક્તિઓ માટે બેસવાની વ્યવસ્થા રહેશે.આ સુવિધા માટે અંદાજિત 6485 ચોરસ મીટર જેટલું બાંધકામ 40 મીટરની ઉંચાઈમાં વર્તુળાકારમાં કરવાનું આયોજન છે.

ટાવરની ટોચે અંદાજિત 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક તથા સ્કાય વોક વિકસાવવામાં આવશે. અહીંથી અમદાવાદ શહેરનો પેનોરેમિક વ્યુ નિહાળી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સ્કાય ડેક ખાતે એકસાથે અંદાજિત 75 વ્યક્તિઓ વ્યુ ગેલેરીનો લાભ લઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે. ટાવરના અંદાજિત 40 મીટરની ઉંચાઈથી 175 મીટરની વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન વિકસાવવાનું આયોજન છે. આ ડિજિટલ સ્ક્રીન પર સતત ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.

આમ, ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ પ્રોજેક્ટમાં પાર્કિંગ, કોમર્શિયલ પ્રવૃત્તિઓ, આર્ટ અને કલ્ચર, ફૂડ, મનોરંજન તથા શહેરના ચારેયતરફનો અદભુત નજારો સહિતની વિવિધ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અમદાવાદ શહેર માટે એક આગવી આઇકોનિક અર્બન સ્પેસ અને સોશિયલ-કોમર્શિયલ હબ તરીકે વિકસાવવાનું આયોજન ધરાવે છે. બહુમાળી બિલ્ડીંગમાં કુલ 17 નંગ લીફટનું આયોજન કરેલ છે.  સિટી સ્ક્વેરનો અંદાજીત ખર્ચ રૂ.570  કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular