નવી દિલ્હી, 30 ઓક્ટોબર 2026: ભારત તેના મહત્ત્વાકાંક્ષી ક્લીન એનર્જી લક્ષ્યો તરફ અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે. તુર્કી ખાતે યોજાનારી આગામી ‘કૉપ31’ ક્લાઈમેટ સમિટ અગાઉ અગ્રણી ઉદ્યોગ મંડળ (ઇન્ડસ્ટ્રી ચેમ્બર) એસોચેમ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે વર્ષ 2030ના નિર્ધારિત લક્ષ્યથી પૂરા પાંચ વર્ષ અગાઉ જ પોતાની કુલ વીજળી ક્ષમતામાં બિન-અશ્મિભૂત ઈંધણ (ગ્રીન એનર્જી) ની હિસ્સેદારી 54 ટકાથી વધુ કરી લીધી છે.
એસોચેમના નિવેદન અનુસાર, નાણાકીય વર્ષ 2026 દરમિયાન રેકોર્ડ 55.29 ગીગાવોટ (GW) ના વધારા સાથે, જુલાઈ 2026 સુધીમાં ભારતની બિન-અશ્મિભૂત ઈંધણ આધારિત વીજળી ક્ષમતા વધીને 300.5 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. એસોચેમના અધ્યક્ષ નિર્મલ કે. મિંડાએ જણાવ્યું હતું કે, “આજે દેશે આખી દુનિયા સામે સાબિત કરી દીધું છે કે એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા પણ મોટા પાયે સ્વચ્છ ઉર્જા અપનાવી શકે છે. ભારતે નિર્ધારિત સમય કરતાં પાંચ વર્ષ વહેલા આ સીમાચિહ્ન સર કર્યું છે.” તેમણે ઉમેર્યું કે હવે આગામી કોપ31 સંમેલનમાં માત્ર ચર્ચાને બદલે ‘અમલીકરણ’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં ઉદ્યોગ જગતની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહેશે.
ભારતના 500 ગીગાવોટ ક્લીન એનર્જીના લક્ષ્યને સાકાર કરવા માટે આબોહવા રોકાણ, અનુકૂળ નાણાકીય વ્યવસ્થા, ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ અને વૈશ્વિક સ્તરે આર્થિક સ્પર્ધાત્મકતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એસોચેમના અંદાજ અનુસાર, ભારતના 2030ના આબોહવા લક્ષ્યોને પૂરતા પ્રમાણમાં પાર પાડવા માટે આશરે 2.5 ટ્રિલિયન ડૉલરના જંગી રોકાણની આવશ્યકતા રહેશે. આ ઉપરાંત, બેટરી સ્ટોરેજની માંગ જે વર્ષ 2027 સુધીમાં 37 ગીગાવોટ કલાક (GWh) હતી, તે વધીને 2031-32 સુધીમાં 236 ગીગાવોટ કલાક સુધી પહોંચી જવાનો અંદાજ છે. ગ્રીન એનર્જીને ભરોસાપાત્ર વીજળીમાં રૂપાંતરિત કરવા માટે મજબૂત ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્તી ઉર્જા વ્યવસ્થા અનિવાર્ય છે.
સરકારને સોંપવામાં આવશે વિગતવાર રિપોર્ટ
આગામી સમયમાં એસોચેમ દ્વારા આ સમગ્ર મામલે એક વિસ્તૃત રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલય, નીતિ આયોગ અને આબોહવા-કાર્ય સાથે જોડાયેલા સંબંધિત સમૂહોને સોંપવામાં આવશે. આ રિપોર્ટમાં ગ્રીન ફાઈનાન્સ એકત્ર કરવા, ઔદ્યોગિક કાર્બન મુક્તિને વેગ આપવા અને આબોહવા પ્રતિજ્ઞાઓને વાસ્તવિક જમીની અમલીકરણમાં બદલવા માટેના વ્યવહારુ સૂચનો સામેલ હશે.


