રાજકોટ, 31 ઓકટોબર,2026 : Only 1 to 20 percent of water is available in 46 of the 82 dams સૌરાષ્ટ્રમાં શિયાળાના આગમન પહેલા જ 82 ડેમોમાંથી 46 ડેમોમાં તળિયા દેખાવા લાગ્યા છે. એટલે કે, 46 ડેમોમાં માત્ર 1થી 20 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જામનગર જિલ્લાના 21 પૈકી 20 ડેમોમાં માત્ર 1થી 14 ટકા જ જળ સંગ્રહ છે. જયારે દ્વારકાના તમામ 12 ડેમો કોરા ધાકોડ થઈ ગયા છે. રાજકોટ જિલ્લામાં 27 પૈકી 9 ડેમોમાં માત્ર 2થી 18 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. શિયાળાના આગમન પહેલા જ આવી સ્થિતિ છે. તો ઉનાળામાં સ્થિતિ વધુ કટોકટીભરી બનશે.
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ઘણાબધા વિસ્તારોમાં અપૂરતા વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સર્વત્ર પાણી, વિજળી પ્રશ્ને પોકારો ઉઠવા લાગ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગના કહેવા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 82 પૈકી 46 ડેમોના તળિયા દેખાયા છે. રાજકોટના 9 સહિત સૌરાષ્ટ્રના 46 જળાશયોમાં માત્ર 1થી 20 ટકા જ નિરનો સંગ્રહ બચ્યો છે અને સંભવતઃ પખવાડીયામાં જ આ 46 ડેમો પણ પૂર્ણ ખાલી થઈ જશે.
રાજકોટ જિલ્લામાં 27 પૈકી 9 ડેમોમાં 2થી 18 ટકા જ પાણી બચ્યુ છે. ખાસ કરીને રાજકોટના આધારસ્તંભ ગણાતા આજી, ન્યારી માત્ર સૌની યોજનાના સહારે ટકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી ખરાબ પરિસ્થિતિ દ્વારકા- જામનગર જિલ્લાની છે. જામનગર જીલ્લાના 21 પૈકી 20 ડેમોમાં આજની સ્થિતિએ માત્ર 0॥થી 14 ટકા જ જળ સંગ્રહ છે. જયારે દ્વારકાના તમામ 12 ડેમો કોરાધાકોડ થઈ ગયા છે. આ જ રીતે કચ્છના પણ તમામ જળાશયો ખાલી છે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો મોરબીના 2 અને સુરેન્દ્રનગરના 3 જળાશયોમાં માત્ર 2થી 8 ટકા જ પાણીનો સંગ્રહ છે. આમ સૌરાષ્ટ્રના 82 ડેમોમાં આજની સ્થિતિએ સરેરાશ 50 ટકા પણ જળ સંગ્રહ નથી.
રાજકોટના આજી, ન્યારી-1માં ફરી એકવાર નર્મના નિર ઠાલવવા માટે ગુચવાયેલુ કોકડુ હવે ઉકેલાયુ છે અને અંતે નર્મદા વિભાગે પાણી છોડવાની મંજૂરી આપી દેતા રાજકોટના બન્ને ડેમોમાં ચાલુ સપ્તાહ દરમ્યાન જ સૌની યોજનાનું પાણી આવી પહોંચશે તેમ રાજકોટ સિંચાઈ વિભાગના ઈજનેરી સૂત્રોએ જણાવેલ હતું.


