રાજકોટ, 31 ઓકટોબર,2026 : Congress holds protests in Rajkot, Mehsana and Vadodara over farmers’ issues પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને રાજકોટ, વડોદરા, અને મહેસાણા સહિત શહેરોમાં ધરણાં યોજીને ઓછા વરસાદવાળા જિલ્લા-તાલુકાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા તેમજ ખેડૂતોના તમામ દેવા માફ કરવાની સહિતની પાંચ માગણીઓ કરવામાં આવી હતી.
ગુજરાતમાં કથળતી ખેડૂતોની સ્થિતિ, અપૂરતો વરસાદ અને સરકારની નીતિઓ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં ‘કિસાન અધિકાર ધરણાં’ યોજાયા હતા. રાજકોટના ત્રિકોણબાગ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વડોદરાના ગાંધીનગર ગૃહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને મહેસાણામાં શક્તિસિંહ ગોહિલ અને તુષાર ચૌધરીની આગેવાનીમાં ધરણા પ્રદર્શનો યોજાયા હતા. નેતાઓએ માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણયને મશ્કરી સમાન ગણાવી રાજ્યના ઓછા વરસાદવાળા જિલ્લા-તાલુકાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોના દેવા માફ કરવાની માગ કરવામાં આવી હતી.
કિસાન અધિકાર ધરણાં” દ્વારા કોંગ્રેસ પક્ષ સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ મૂકી છે. ગુજરાતના જે જિલ્લાઓ અને તાલુકાઓમાં પૂરતો વરસાદ થયો નથી ત્યાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવામાં આવે. ખેડૂતોના ખેતરોમાં વીજળીના થાંભલા નાખવાના કારણે થયેલા નુકસાનનું પૂરતું વળતર ચૂકવવામાં આવે. પાક વીમા યોજના તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે. ખેડૂતોની જમીનની ખોટી માપણી રદ કરવામાં આવે. ખેડૂતોનાં સંપૂર્ણ દેવાં માફ કરવામાં આવે. ખેડૂતોના પરસેવાની કિંમત ચૂકવવી જ પડશે. ગુજરાતના ખેડૂતો હવે અન્યાય સહન નહીં કરે. અન્નદાતાના હક અને અધિકાર માટે કોંગ્રેસનો સંઘર્ષ સતત અને અવિરત ચાલુ રહેશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર દ્વારા માત્ર ચાર જ જિલ્લાઓમાં અછત કે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે, જે કિસાનોની ખુલ્લેઆમ મશ્કરી સમાન છે. ખેડૂતો લાંબા સમયથી ઓછો વરસાદ હોવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે અને અછત જાહેર કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ જ નક્કર પગલાં લેતી નથી.


