અમદાવાદ, 30 ઑક્ટોબર 2026 : lighting at 6 bridges, 7 places including Bhadrakali temple on Diwali શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતી રોશની ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે. શહેરમાં માત્ર છ ઓવરબ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર એમ સાત સ્થળો ઉપર જ લાઈટિંગ કરવામાં આવશે. જે રાત્રે માત્ર સાત કલાક માટે જ રોશની કરવામાં આવશે. એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર આરોગ્ય, પાણીના વ્યવસ્થાપન, સલામતી અને તહેવારો દરમિયાન રોશની સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. તાજેતરમાં માવાના નામે બનાવટી અને બિનખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાની ઘટનાઓ સામે આવી છે. આવી પરિસ્થિતિમાં માવાની ગુણવત્તાની પ્રાથમિક ચકાસણી માટે ઉપયોગી રેપિડ ટેસ્ટિંગ કીટ વેપારીઓ પાસે ઉપલબ્ધ હોય તે જરૂરી છે. અત્યાર સુધીમાં આશરે 350 લોકોએ આવી કીટ પોતાની પાસે રાખી છે, જેના માધ્યમથી ગ્રાહકો પણ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી અંગે પ્રાથમિક તપાસ કરી શકે છે. આશરે રૂ. 3,000ની કિંમત ધરાવતી આ કીટ માવામાં ભેળસેળની પ્રાથમિક ઓળખ માટે ઉપયોગી છે. આથી, રૂ. 5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા મીઠાઇ, માવો અને ફરસાણ બનાવતા વેપારીઓએ આવી રેપિડ ટેસ્ટિંગ કીટ ફરજિયાત રાખવા અને તેનો ઉપયોગ કરવા અંગે આરોગ્ય વિભાગને જરૂરી સૂચના આપવામાં આવી છે, જેથી માવાની ગુણવત્તાની ચકાસણી થઈ શકે અને બિનખાદ્ય પદાર્થોના વેચાણ પર અટકાવી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં થતા પાણીનો બિનજરૂરી બગાડ અટકાવી શકાય તે માટે સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. શહેરમાં જ્યાં પાણીનો વધુ વપરાશ કરતા એકમો તથા ગેરકાયદેસર જોડાણો મારફતે પાણીનો ઉપયોગ થતો હોય તેવા સ્થળોએ તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કાર વોશિંગ સેન્ટરો, પીજી આવાસો, અને મોટી સંખ્યામાં રૂમ ધરાવતા લોજીંગ-બોર્ડિંગ સહિતનાં સ્થળોએ પાણીનાં જોડાણોની કાયદેસરતાની ચકાસણી કરવામાં આવશે. તપાસ દરમિયાન ગેરકાયદે પાણીનાં જોડાણો જણાય તો નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરીને આવા જોડાણો કાપવા અંગે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા આશરે 15 દિવસ દરમિયાન અમદાવાદમાં એસટીપી પ્લાન્ટ સહિત બે દુઃખદ ઘટનાઓ બની છે. આવી ઘટનાઓમાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સાથે સંબંધિત અધિકારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. આથી આવી ઘટનામાં કાર્યવાહી માત્ર કોન્ટ્રાક્ટરને દંડિત કરવા પૂરતું ન રાખતાં, સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની ભૂમિકા તથા બેદરકારી અંગે તપાસ હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દિવાળીમાં વીજળી વપરાશની બચત કરવા માટે રોશનીમાં ઘટાડા અંગે નિર્ણય લેતા જણાવ્યું કે, એએમસી દ્વારા આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં કરવામાં આવતી જાહેર રોશનીમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સાબરમતી નદી પરના બ્રિજ, શહેરનાં ટ્રાફિક સર્કલો, અંડરપાસ અને સરકારી ઇમારતો સહિત વિવિધ સ્થળોએ રોશની કરવામાં આવતી હતી. આ વર્ષે ધનતેરસથી લાભ પાંચમ સુધી સાબરમતી નદી પરના છ બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી માતા મંદિર સહિત કુલ સાત સ્થળોએ જ કોર્પોરેશન દ્વારા રોશની કરવામાં આવશે. સામાન્ય રીતે સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી કરવામાં આવતી રોશનીનો સમય પણ આ વર્ષે ઘટાડીને સાંજે 7 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. જોકે, દિવાળી અને બેસતા વર્ષની આખી રાત રોશની ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


