Homeગુજરાતીગુજરાતસરદાર પટેલની જયંતી: PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ,...

સરદાર પટેલની જયંતી: PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ, 400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ

એક્તાનગર, 31 ઓક્ટોબર 2026: દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી એકતા નગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશરે 400 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ વડાપ્રધાને એકતા નગરમાં વિવિધ વિકાસ યોજનાઓની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટ્સમાં સીવેજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નર્મદા ઘાટનું ઉન્ન્તિકરણ, આઈઆરસીટીસી હોટેલ, રેન ફોરેસ્ટ અને ઇકો-ટ્રેલ જેવી પ્રવાસન અને પાયાની સુવિધાઓ સાથે જોડાયેલી યોજનાઓ સામેલ છે. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • પીએમ મોદીએ કર્યું ‘રેન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરમાં ‘રેન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પછી તેમણે સંબંધિત અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને તેની મુખ્ય વિશેષતાઓ વિશે માહિતી મેળવી હતી. આ તમામ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય એકતા નગરમાં પ્રવાસન સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો છે.

  • વિકસિત ભારતના પ્રેરણાસ્ત્રોત છે સરદાર પટેલ: પીએમ મોદી

આ પહેલાં વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. તેમણે લખ્યું કે, “અખંડ ભારતના પ્રણેતા અને દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતી પર શત શત નમન. તેમણે એક સશક્ત, સમૃદ્ધ અને સમર્થ ભારતના નિર્માણ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું.” પીએમ મોદીએ જણાવ્યું કે માં ભારતીની સેવા માટે સરદાર પટેલનું બલિદાન અને સમર્પણ એ વિકસિત તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સૌથી મોટો પ્રેરણાસ્ત્રોત છે.

વડાપ્રધાને અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કેવડિયા ખાતે યોજાયેલા ‘ભારત પર્વ’ની અદભુત ઝાંખીઓ જોવા મળે છે. આ આયોજન દેશની સાંસ્કૃતિક વારસો, વિવિધ પરંપરાઓ અને રાષ્ટ્રીય એકતાને સમર્પિત છે. પીએમ મોદીએ લખ્યું કે ભારતની વિવિધ સંસ્કૃતિઓ અદ્ભુત છે અને કેવડિયામાં યોજાયેલો ‘ભારત પર્વ’ આપણા દેશની એકતા તથા સાંસ્કૃતિક જીવંતતાનો સાચો ઉત્સવ મનાવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular