લખનૌ, 31 ઓક્ટોબર 2026: દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતી નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજને તોડનારી અને વિભાજનકારી લોકો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યારે આપણે જાતિ અને ક્ષેત્રના નામ પર વહેંચાઈ જઈએ છીએ અને નબળા પડીએ છીએ, ત્યારે જ રાષ્ટ્રીય એકતા પર ગંભીર ખતરો ઊભો થાય છે.
લખનૌમાં જીપીઓ સ્થિત સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવ્યા બાદ સીએમ યોગીએ જણાવ્યું હતું કે, “જે રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) સમાપ્ત થતાં રોગો ઘર કરી જાય છે, તેવી જ રીતે જાતિવાદ, ક્ષેત્રવાદ અને ભાષાવાદ એ એવી બીમારીઓ છે જે સમાજની એકતાને નબળી પાડે છે અને આક્રાંતાઓને હુમલો કરવા માટે આમંત્રણ આપે છે.” તેમણે ઉમેર્યું કે લોહપુરુષના સાચા અનુયાયીઓ તે જ છે જેઓ ભારતની એકતા અને સુરક્ષાને હંમેશાં સર્વોપરી રાખે છે.
મુખ્યમંત્રીએ આક્રમક અંદાજમાં કહ્યું કે, જે લોકો મોહમ્મદ અલી ઝીણાને પોતાના આદર્શ માને છે અને સમાજમાં ભાગલા પાડે છે, તેઓ ક્યારેય સરદાર પટેલના સાચા અનુયાયી હોઈ શકતા નથી. સરદાર પટેલની 151 મી જન્મજયંતી પર ઉત્તર પ્રદેશમાં ‘ડબલ એન્જિન’ સરકાર દ્વારા અનેકવિધ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
-
PM મોદી અને અમિત શાહે કલમ 370 ને હંમેશ માટે દફનાવી દીધી
કોંગ્રેસ પર નિશાન સાધતા સીએમ યોગીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર વર્ષ 2014થી દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભૂતકાળને યાદ કરતા તેમણે કહ્યું કે , પંડિત જવાહરલાલ નેહરુએ ભારતના હિસ્સા સમાન કાશ્મીરમાં કલમ 370 લાગુ કરી દીધી હતી, જેનો ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ વિરોધ કર્યો હતો. આ એક “પાપ” કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે હંમેશ માટે દફનાવી દીધું અને કાશ્મીરને ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોની જેમ જ સમાન દરજ્જો અપાવ્યો. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે આજે પણ કેટલાક લોકો રાષ્ટ્રીય એકતા સામે જોખમો ઊભા કરવા અને બંધારણીય સંસ્થાઓને કઠેડામાં ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


