પાલનપુર, 30 ઓક્ટોબર: દેશના અન્નદાતાઓની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’યોજના હેઠળ વધુ એક હપ્તો જારી કરી દીધો છે. વડાપ્રધાને એક બટન દબાવીને દેશભરના 9.34 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં 24મી હપ્તાની રકમ સફળતાપૂર્વક ટ્રાન્સફર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, સવારે પીએમ મોદીનો બનાસકાંઠામાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનમેદનીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે એક મોટું આર્થિક કવચ બની રહી છે. આ યોજના શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 4 લાખ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ સીધી ખેડૂતોના બેંક ખાતાઓમાં પહોંચાડવામાં આવી છે, જેનાથી દેશના કરોડો ખેડૂતોને ખેતીના ખર્ચ અને મુશ્કેલ સમયમાં મોટો ટેકો મળ્યો છે.
કિસાન સન્માન નિધિના નાણાં સીધા ડીબીટીના માધ્યમથી પારદર્શક રીતે ખેડૂતોના ખાતામાં જમા થતા હોવાથી વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થઈ છે. ખેડૂત મિત્રો આ રકમનો ઉપયોગ ખાતર, બિયારણ અને ખેતીના અન્ય સાધનો ખરીદવા માટે કરી રહ્યા છે. હપ્તો જારી કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મંચ પરથી ઉપસ્થિત વિશાળ જનમેદની અને ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે સરકારની અન્ય કૃષિ-કલ્યાણકારી યોજનાઓ પર પણ વિશેષ ભાર મૂક્યો હતો અને ખેડૂતોને આધુનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહ્વાન કર્યું હતું.


