નવી દિલ્હી, 31 ઓક્ટોબર 2026: દિલ્હીની એક અદાલતે શનિવારે પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠી સામે વર્ષ 2018 ના માનહાનિના એક કેસમાં નવા જામીનપાત્ર વોરંટ કાઢ્યું છે. આ મામલો વિકાસ સંસ્કૃત્યાયન નામના શખ્સે દાખલ કર્યો હતો. ન્યાયિક મેજિસ્ટ્રેટ રાહુલ જૈને આ વોરંટ ત્યારે જારી કર્યા જ્યારે ફરીયાદીએ આરોપ મૂક્યો કે રાઠીએ તેમના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા એક વીડિયોમાં તેમની છબી ખરાબ કરી અને તેમને બદનામ કર્યા છે. હાલમાં આ કેસનો વિગતવાર ઓર્ડર આવવાનો બાકી છે.
કોર્ટે નોટિસ ન પહોંચી શક્યા બાદ ધ્રુવ રાઠી સામે આ નવા જામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. અગાઉ 17 ઓક્ટોબરે પણ અદાલતે રાઠી સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા, તે સમયે નોટિસ બજાવવા ગયેલા અધિકારીએ જણાવ્યું હતું કે ધ્રુવ રાઠીનું ઘર બંધ હતું. કોર્ટે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત સરનામે રાઠીને નવું સમન્સ પણ જારી કર્યું હતું. વિકાસની તરફથી હાજર રહેલા વકીલ સમક્ષ શર્માએ અદાલતમાં જણાવ્યું હતું કે ધ્રુવ રાઠી સામાન્ય રીતે ઓસ્ટ્રિયામાં રહે છે અને હાલમાં દિલ્હીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના વિરોધ પ્રદર્શનોમાં સામેલ થવા માટે ભારત આવ્યા છે. કોર્ટે નોંધ્યું કે, આ કેસમાં રાઠીને પહેલીવાર જુલાઈ 2019 માં સમન્સ મોકલવામાં આવ્યું હતું. વિકાસે 2018 માં માનહાનિની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે રાઠીએ પોતાની યુટ્યુબ ચેનલ પર તેમના વિશે એક વિવાદાસ્પદ વીડિયો અપલોડ કર્યો હતો.
-
અરવિંદ કેજરીવાલે માફી માંગી લીધી હતી
વર્ષ 2018 માં ધ્રુવ રાઠીએ એક વીડિયો બનાવ્યો હતો, જેને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર શેર (રીટ્વીટ) કર્યો હતો. આ વીડિયોથી આહત થઈને વિકાસ સંસ્કૃત્યાયન નામના વ્યક્તિએ આ બંને વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જો કે, બાદમાં અરવિંદ કેજરીવાલે અદાલતમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી કે તે વીડિયો શેર કરવો તેમની ભૂલ હતી. ભૂલ સ્વીકાર્યા બાદ કેજરીવાલના મામલાનો અલગ રીતે ઉકેલ આવી ગયો હતો, પરંતુ ધ્રુવ રાઠી વિરુદ્ધની કાનૂની કાર્યવાહી હજુ ચાલુ છે.


