Homeગુજરાતીદેશ-વિદેશવીજળીની ખપતનો બદલાયો ટ્રેન્ડ: સપ્ટેમ્બરમાં ઉનાળા જેવી ડિમાન્ડ, જાણો કારણો

વીજળીની ખપતનો બદલાયો ટ્રેન્ડ: સપ્ટેમ્બરમાં ઉનાળા જેવી ડિમાન્ડ, જાણો કારણો

નવી દિલ્હી, 31 ઓક્ટોબર 2026: ભારતમાં વીજળીની ખપતનો મોસમી પેટર્ન (સૌસનલ પેટર્ન) હવે બદલાતા નજરે પડી રહી છે. સામાન્ય રીતે દેશમાં એપ્રિલથી જુલાઈ વચ્ચે વીજળીની માંગ સૌથી વધુ રહેતી હોય છે, જેનું મુખ્ય કારણ તીવ્ર ગરમી અને એસી તથા કુલર જેવા કૂલિંગ ઉપકરણોનો વધતો ઉપયોગ છે. જો કે, વર્ષ 2026 માં સપ્ટેમ્બર મહિના દરમિયાન વીજળીની ખપતે એક નવો જ ટ્રેન્ડ દર્શાવ્યો છે. આ મહિને વીજળીની માંગ મે મહિનાના સ્તરની આસપાસ પહોંચી ગઈ છે અને જૂન મહિનો પણ પાછળ રહી ગયો છે.

‘ડાઉન ટુ અર્થ’ ના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2026 માં દેશમાં વીજળીની ખપત 162 અબજ યુનિટ રહી હતી, જે સપ્ટેમ્બર 2025 ની સરખામણીમાં 11.3 ટકા વધુ છે. આ ઉપરાંત, 10 સપ્ટેમ્બરે દેશની પીક વીજળીની ડિમાન્ડ 269 ગીગાવાટ (GW) સુધી પહોંચી ગઈ હતી, જે આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી 270 GW ની સર્વોચ્ચ પીક ડિમાન્ડથી માત્ર 1 GW જ ઓછી હતી. એટલે કે સામાન્ય રીતે જે સપ્ટેમ્બરમાં વીજળીની માંગ ઘટવા લાગતી હોય છે, આ વખતે તે મહિને ખપત ઉનાળાના રેકોર્ડની તદ્દન નજીક પહોંચી ગઈ હતી.

  • વીજળીની માંગ વધવા પાછળના બે મુખ્ય કારણો

ઉકળાટ અને ભેજવાળા વાતાવરણને કારણે એસી-કુલરનો વધેલો ઉપયોગ: સપ્ટેમ્બરમાં વીજળીની ખપત વધવાનું પ્રથમ મોટું કારણ હવામાં ભેજ અને વધુ પડતો ઉકળાટ છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન વરસાદ પડવાથી તાપમાનમાં ઘટાડો થાય છે અને લોકો એસી-કુલરનો ઉપયોગ ઘટાડે છે. પરંતુ આ વખતે એવું જોવા મળ્યું નથી. ભારતીય હવામાન વિભાગના સપ્ટેમ્બરના ક્લાઈમેટ સમરી મુજબ, દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું, તેમ છતાં વીજળીની માંગમાં મોટો ઉછાળો નોંધાયો હતો. વરસાદ અને ચોમાસાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. વધુ ઉકળાટ હોવાને કારણે શરીરને પરસેવા દ્વારા ગરમી બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તાપમાન ખૂબ વધારે ન હોવા છતાં લોકોને ભારે ગરમી અનુભવાય છે અને એસી-કુલર સતત ચાલુ રહે છે. આ સાબિત કરે છે કે હવે વીજળીની ખપતને માત્ર તાપમાનના આધારે માપી શકાતી નથી, પરંતુ હવામાં રહેલો ભેજ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

નબળું ચોમાસું અને ખેતીમાં સિંચાઈની વધતી માંગ: વીજળીની ખપત વધવાનું બીજું મોટું કારણ નબળું ચોમાસું અને ઓછો વરસાદ છે. ભારતની ખેતીનો મોટો હિસ્સો હજુ પણ વરસાદ પર આધારિત છે. જ્યારે વરસાદ સામાન્ય કરતા ઓછો થાય છે, ત્યારે ખેડૂતોએ પાકને બચાવવા માટે ટ્યુબવેલ અને ઇલેક્ટ્રિક પંપથી સિંચાઈ કરવી પડે છે, જેનાથી કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગ અચાનક વધી જાય છે. સપ્ટેમ્બરમાં વરસાદની ખાધને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોએ વધુ વીજળી વાપરવી પડી હતી, જેની સીધી અસર દેશની કુલ વીજળી ખપત પર જોવા મળી હતી. આ ઉપરાંત, ઓછા વરસાદને કારણે જળવિદ્યુત (હાઇડ્રોપાવર) ઉત્પાદન પર પણ વિપરીત અસર પડી છે, કારણ કે જળાશયોમાં પાણીનું સ્તર ઘટી જવાથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા મર્યાદિત બની જાય છે.

  • જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન પીક ડિમાન્ડ 18 ટકા વધી

ફિનલેન્ડ સ્થિત સંસ્થા ‘સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ક્લીન એર’ ના 12 ઓક્ટોબર 2026 ના આંકડા મુજબ, જુલાઈ-સપ્ટેમ્બર 2026 દરમિયાન દેશની પીક વીજળીની માંગ 18 ટકા વધીને 270 GW થઈ ગઈ છે. અગાઉ આ જ સમયગાળામાં માંગ 230 GW હતી. રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ 27-27 GW ની પીક ડિમાન્ડ નોંધાઈ હતી, જ્યારે ગુજરાતમાં 23 GW, તમિલનાડુમાં 20 GW અને કર્ણાટકમાં 16 GW ની માંગ રહી હતી. આ બદલાયેલા સંજોગો દર્શાવે છે કે ભવિષ્યમાં વીજળીની જરૂરિયાતોનું આયોજન કરતી વખતે આ મોસમી અને આબોહવાકીય ફેરફારોને ધ્યાનમાં રાખવા અત્યંત જરૂરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular