રિયાધ, 27 ઓક્ટોબર 2026: યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ દ્વારા સતત કરવામાં આવતા હુમલાઓથી ઘેરાયેલા સાઉદી અરેબિયાને લઈને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ઈઝરાયેલી મીડિયાના અહેવાલો મુજબ, સાઉદી અરેબિયાએ હૂતી વિદ્રોહીઓના હુમલા રોકવા અને યુદ્ધવિરામ લાગુ કરવા માટે એ અબજ અમેરિકી ડોલર (આશરે રૂ. 9521 કરોડ)ની અધધ રકમ ઓફર કરી હોવાની ચર્ચા છે. આ અહેવાલે મધ્ય પૂર્વની રાજનીતિમાં ભારે હલચલ મચાવી દીધી છે.
છેલ્લા કેટલાક સમયથી હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના ઓઈલ ડિપો, એરપોર્ટ અને મહત્વપૂર્ણ સ્થાનો પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ વધારી દેવામાં આવ્યા છે. અહેવાલોનું માનીએ તો, આ હુમલાઓને રોકવામાં સાઉદીનું એર ડિફેન્સ સિસ્ટમ પણ પૂરતું સફળ સાબિત નથી થઈ રહ્યું, જેના કારણે આ ઇસ્લામિક રાષ્ટ્ર આર્થિક મોરચે બેકફૂટ પર નજરે પડી રહ્યું છે. ઈઝરાયેલી મીડિયા દાવો કરી રહ્યો છે કે, સાઉદી રક્ષામંત્રી પ્રિન્સ ખાલીદ બિન સલમાન તેહરાન પહોંચ્યા હતા અને આ સમજૂતી પાછળ ઈરાનની મધ્યસ્થતા રહી છે. આ બેઠકોમાં તુકી અને પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ સામેલ હોવાના દાવા થયા છે.
-
શું વિમાનમાં ભરીને નાણાં લઈ જવામાં આવ્યા હતા?
એક રાજદ્વારી સૂત્રના દાવા મુજબ, સાઉદી મંત્રી જે ‘હર્ક્યુલસ’ મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેનમાં તેહરાન પહોંચ્યા હતા, તેમાં પૈસા ભરેલા હોવાની ચર્ચા છે. જોકે, કોઈ પણ સત્તાવાર સાઉદી અધિકારીએ નાણાંના ટ્રાન્સફરની સત્તાવાર પુષ્ટિ કરી નથી. બીજી બાજુ, સાઉદી વિદેશ મંત્રાલયના નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ યાત્રાનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં તણાવ ઓછો કરવાનો, કૂટનીતિક સમાધાન શોધવાનો અને કતાર તથા પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસોને સમર્થન આપવાનો છે.
-
આર્થિક મદદનો હેતુ શું છે?
સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિવાદનો એક ભાગ ત્રણ વર્ષ પહેલાં બનેલી સહમતિને લાગુ કરવાનો છે. આ ફંડિંગનો મુખ્ય હેતુ હૂતી નિયંત્રિત વિસ્તારોમાં સરકારી કર્મચારીઓને વેતન ચૂકવવાનો અને સામાન્ય નાગરિકો માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી ઊભું કરવાનો છે. જેના બદલામાં હૂતીઓએ સાઉદી અરેબિયા પર હુમલા બંધ કરવાના અને યુદ્ધવિરામનું પાલન કરવાનું રહે છે.
હાલમાં સાઉદી અરેબિયાનું સત્તાવાર વલણ એવું રહ્યું છે કે તે “મિલિટરી બ્લેકમેલ” ના દબાણમાં આવીને કોઈ નવો યુદ્ધવિરામ સ્વીકારશે નહીં, અને જ્યાં સુધી હૂતીઓ યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને વિસ્તારો પરત નહીં સોંપે ત્યાં સુધી સીધી આર્થિક મદદનો વિરોધ કરવામાં આવ્યો છે.


