નવી દિલ્હી, 27 ઓક્ટોબર 2026: પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રિત કરવાના વિરોધને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઇંધણમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણ (E20) સામે કરવામાં આવેલો વિરોધ અસલી નહીં, પરંતુ પૈસા આપીને ચલાવવામાં આવેલ એક ‘પેડ કેમ્પેઈન’ હતું. દરમિયાન ગઈકાલે જ કેન્દ્ર સરકારે સરકારે ‘કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989’માં ફેરફાર કરીને એવા ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ વાહનોને મંજૂરી આપી છે, જે E100 સુધીના ઇંધણ પર ચાલી શકે છે.
ઉદ્યોગ સંગઠન CII દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારત જીવાશ્મ ઇંધણની આયાત ઘટાડીને પોતાની કિંમતી વિદેશી મુન્દ્રા બચાવી રહ્યું છે. તેમણે કહ્યું, “ત્રણ મહિના પહેલા E20 ઇંધણ સામે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે બધો વિરોધ શાંત થઈ ગયો છે, કારણ કે તે પાયાવિહોણો અને પ્રાયોજિત હતો.” આ ઉપરાંત રાજમાર્ગોની ખરાબ સ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર મળેલી ફરિયાદો પર બોલતા ગડકરીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ રાજમાર્ગોની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં કરે અને આગામી બે વર્ષમાં લોકોને મુસાફરીમાં કોઈ મુશ્કેલી નહીં પડે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે સરકારની હાલ પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણની 20 ટકાની મર્યાદા વધારવાની કોઈ યોજના નથી. ગોવા ખાતે એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે બાયોફ્યુઅલ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે અને આ એક સોચી-સમજેલી રણનીતિ છે. સરકાર આયાતી કાચા તેલ પરની નિર્ભરતા ઘટાડવા અને દેશના ‘કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ’ ને નિયંત્રિત કરવા માટે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે.
-
શા માટે થયો હતો E20 પેટ્રોલનો વિરોધ?
અગાઉ વાહનચાલકો દ્વારા એવી ફરિયાદો ઉઠી હતી કે E20 ઇંધણના ઉપયોગથી ગાડીઓનું માઇલેજ ઘટી રહ્યું છે અને જૂના વાહનોના ઇન્જિન પર તેની ખરાબ અસર પડી રહી છે. ગ્રાહકોની મુખ્ય ફરિયાદ એ હતી કે બજારમાં ઓછા ઈથેનોલવાળા વિકલ્પો ઉપલબ્ધ નથી. જોકે, સરકારનું કહેવું છે કે જૂના વાહનોમાં ઇંધણની કાર્યક્ષમતા માત્ર 3 થી 5 ટકા સુધી પ્રભાવિત થઈ શકે છે, પરંતુ તેનાથી મોટા પ્રમાણમાં ઇન્જિન ખરાબ થવાના કોઈ પુરાવા નથી. પ્રદૂષણ ઘટાડવું, વિદેશી તેલની આયાત ઘટાડવી અને ખેડૂતોની આવક વધારવી એ આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે.


