Homeગુજરાતીદેશ-વિદેશપશ્ચિમ બંગાળ: દુષ્કર્મ અને હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

પશ્ચિમ બંગાળ: દુષ્કર્મ અને હત્યાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

કોલકાતા, 27 ઓક્ટોબર 2026: પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગના જિલ્લામાં 17 વર્ષીય સગીરા પર બળાત્કાર અને હત્યાના 23 વર્ષીય આરોપી પ્રહ્લાદ દાસનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવી છે, જેમાં ક્રાઈમ સીન રિક્રિએશન દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારની રાત્રે ગાયઘાટા વિસ્તારમાં પોલીસ આરોપી પ્રહ્લાદ દાસને ઘટનાસ્થળે ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે લઈ ગઈ હતી. તે જ સમયે આરોપીએ તકનો લાભ લઈને એક પોલીસકર્મીની સર્વિસ રિવૉલ્વર છીનવી લીધી અને પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

આ અચાનક થયેલા હુમલાથી બચવા પોલીસકર્મીઓ નજીકની નહેરમાં છુપાઈ ગયા હતા. ત્યારબાદ આત્મરક્ષણ માટે પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં આરોપી પ્રહ્લાદ દાસને ગોળી વાગી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પોલીસકર્મીના ઘાયલ થયાના અહેવાલ નથી. ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીને તાત્કાલિક ચાંદપાડા ગ્રામીણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં જ આરોપીના સ્વજનોએ હોસ્પિટલ પહોંચીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલ સુરક્ષાના ભાગરૂપે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પીડિતાની માતાના જણાવ્યા મુજબ, ગત શનિવારે સાંજે તે પોતાની પુત્રીને એક સ્થાનિક કાર્યક્રમમાં લઈ ગઈ હતી, જ્યાં યુવતી પોતાની ફ્રેન્ડ્સ સાથે ફરતી હતી અને થોડા સમય પછી અચાનક લાપતા થઈ ગઈ હતી. રવિવારે સવારે ગાયઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘર પાછળથી વિદ્યાર્થિનીનો શબ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પીડિતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યુવતી સાથે બળાત્કાર આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. પરિવારે પીડિતાના જ એક રિલેટિવ એવા પ્રહ્લાદ દાસ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular