સુરત, 25 ઓક્ટોબર, 2026 : Stones pelted on Udaipur-Surat Vande Bharat train, 3 arrested ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત નજીક તાજેતરમાં એટલે કે 19મી ઓક્ટોબરના રોજ પથ્થરમારો કરાતા કોચના બારીઓના ત્રણ કાચ તૂટ્યા હતા. આ બનાવને ગંભીરતાથી લઈને રેલવે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને ત્રણ યુવાનોને દબોચી લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ માત્ર મનોરંજન અને મોજ-મસ્તી માટે ટ્રેન પર પથ્થરો કર્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે.
આ બનાવની વિગત એવી હતી કે, ઉદેપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત અને ઉત્તરાણ વચ્ચે ગઈ તા. 19મીએ પથ્થરમારાની ઘટના બની હતી. આથી મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ (DSCR/BCT) તરફથી સુરત RPF પોસ્ટને સુચના આપી હતી. કે, ટ્રેન નંબર 26904 વંદે ભારત એક્સપ્રેસ ઉતરાણ અને સુરત વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે પૂર્વ દિશા તરફથી ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેમાં કોચ નંબર C-6ની સીટ નંબર 40, 41, 42 તેમજ 60, 61, 62 પાસેની બારીઓના બે કાચ અને પેન્ટ્રી કાર તરફનો એક કાચ મળી કુલ ત્રણ કાચ ક્ષતિગ્રસ્ત થયા હતા. સદનસીબે, આ પથ્થરમારામાં કોઈ પણ પ્રવાસી કે રેલવે કર્મચારીને ઈજા થઈ ન હતી. આથી કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતાં જ સુરત RPF પોસ્ટના ઇન્સ્પેક્ટર દિનેશ યાદવ, સબ ઇન્સ્પેક્ટર અમિત કુમાર અને ASI પ્રેમસિંહ હાડા સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ટીમે ટ્રેન એસ્કોર્ટ પાર્ટીના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ શિવનારાયણ સિંહ સાથે સંકલન સાધી સુરત યાર્ડ અને તાપી નદીના પટ વિસ્તારમાં રાત્રે જ કોમ્બિંગ હાથ ધર્યું હતું. પથ્થર ફેંકી ભાગી ગયેલા અસામાજિક તત્વોની શોધખોળ માટે રેલવે ટ્રેક આસપાસની ઝાડીઓમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું, જોકે શરૂઆતમાં કોઈ સગડ મળ્યા નહોતા. ત્યારબાદ ઇન્સ્પેક્ટર દિનેશ યાદવે અલગ ટીમ બનાવી રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરા તેમજ ટ્રેનના ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાવી હતી.
દરમિયાન સીસીટીવીના ફૂટેજના આધારે શંકાસ્પદ હિલચાલ જણાતાં ત્રણ યુવકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમને ઝડપીને RPF પોસ્ટ ખાતે લવાયા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ 22 વર્ષીય ગોલુ કુમાર ચૌધરી, 18 વર્ષીય સંદેશ કુમાર અને 18 વર્ષીય મંતોષ મુખિયા તરીકે થઈ છે. આ ત્રણેય યુવકો મૂળ બિહારના વતની છે અને છેલ્લા બે વર્ષથી રેલવે લાઈન નજીક આવેલી એક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા.
આ મામલે સુરત RPF દ્વારા અગાઉ અજાણ્યા શખ્સો વિરુદ્ધ STCR 2962/26 તેમજ રેલવે અધિનિયમની કલમ 153 (રેલવે મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકવી) હેઠળ 19 ઓક્ટોબરના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓની સત્તાવાર ધરપકડ થતા હવે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે.


