નવી દિલ્હી, 27 ઓક્ટોબર 2026: ભારતીય રાજકારણમાં પક્ષપલટાની વધતી જતી પ્રવૃત્તિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ મામલે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને અન્ય પક્ષો પાસે જવાબ માંગ્યો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં માંગ કરવામાં આવી છે કે જે ધારાસભ્યો કે સાંસદો પોતાની સીટ પરથી રાજીનામું આપીને અન્ય રાજકીય પક્ષમાંથી ફરીથી ચૂંટણી લડે છે, તેમની પાસે જ પેટાચૂંટણીનો ખર્ચ વસૂલવામાં આવે. આ સમગ્ર મામલો તામિલનાડુના AIADMK ના ધારાસભ્યો સાથે જોડાયેલો છે, જેમણે પક્ષ બદલીને સીએમ વિજયની પાર્ટી TVK માં જોડાયા હતા.
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 બાદ AIADMK ના 6 જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હતા. આ ધારાસભ્યોમાં એસ. જયકુમાર, મરગાથમ કુમારવેલ, પી. સત્યબામા, ડૉ. એસાક્કી સુબ્બૈયા, સી. વિજયભાસ્કર અને એમ.આર. વિજય ભાસ્કરના નામ સામે સામેલ છે. આ ધારાસભ્યોના રાજીનામાના કારણે સંબંધિત બેઠકો પર ફરીથી ચૂંટણી (ઉપચૂંટણી) કરાવવાની ફરજ પડી હતી. અરજદાર કે. સુથને કોર્ટમાં દલીલ કરી હતી કે કોઈપણ મજબૂર વગર માત્ર રાજકીય સ્વાર્થ માટે સ્વેચ્છાએ આપવામાં આવેલા રાજીનામાના કારણે સરકારી તિજોરી પર ભારે આર્થિક બોજ પડે છે. અરજદારે સવાલ ઉઠાવ્યો છે કે નેતાઓના આવા નિર્ણયોનો ખર્ચ સામાન્ય જનતા અને કરદાતાઓ શા માટે ભોગવે?
મંગળવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકાર, ભારતીય ચૂંટણી પંચ, તામિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી અને સંબંધિત ધારાસભ્યોને નોટિસ જારી કરી છે. અગાઉ આ મામલે મદ્રાસ હાઈકોર્ટે 24 સપ્ટેમ્બર 2026 ના રોજ આ જનહિત અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી ખર્ચની વસૂલાત માટે નવી વ્યવસ્થા બનાવવી અને રાજીનામું આપનાર નેતાઓ પર પ્રતિબંધ મૂકવો એ વિધાયકીય નીતિનો વિષય છે, જેની સામે હવે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ ચાલી રહી છે.


