નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી ઓક્ટોબર માસિક આર્થિક સમીક્ષા મુજબ, ચાલુ નાણાકીય વર્ષ 2027 ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં દેશનો આર્થિક વિકાસ દર 7.35 ટકા રહેવાનો અંદાજ છે. આ અનુમાન મંત્રાલયના ખાસ ‘નાઉકાસ્ટિંગ મોડેલ’ પર આધારિત છે. અગાઉ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાએ 7.8 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે સપ્ટેમ્બરની સમીક્ષામાં બીજા ત્રિમાસિક માટે આ અંદાજ આશરે 7.3 ટકા હતો, જેને હવે ઉપર તરફ સંશોધિત કરવામાં આવ્યો છે.
સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે બીજા ત્રિમાસિક ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન, વીજળીની ખપત, બંદરો પરની અવરજવર, જીએસટી સંગ્રહ અને ઓટોમોબાઈલ વેચાણ જેવા મુખ્ય આર્થિક સૂચકાંકોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલ જીએસટી કલેક્શનમાં આશરે 15 ટકાનો વધારો નોંધાયો છે (જે અગાઉની ક્વાર્ટરમાં 8.4 ટકા હતો). આ ઉપરાંત, ગ્રામીણ અને શહેરી બંને બજારોમાંથી સારી માંગ નીકળવાને કારણે સ્થાનિક ઓટોમોબાઈલ વેચાણમાં વાર્ષિક ધોરણે આશરે ૨૫ ટકાનો જંગી વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં પણ મજબૂતાઈ જોવા મળી છે.
નાણાકીય વર્ષના બાકીના સમયગાળા માટે મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે ઘરેલુ વપરાશ, રોકાણ અને માળખાકીય સુધારાઓથી વિકાસને મોટો વેગ મળશે. ક્રેડિટ ગ્રોથ અને તાજેતરના વેપારી કરારોથી નિકાસ અને વપરાશને વધારાનું બળ મળવાની સંભાવના છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ જેવી કે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, ભૂ-રાજકીય તણાવ અને મોંઘવારીના દબાણ સામે સાવચેત રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની આર્થિક સ્થિતિને લઈને સકારાત્મક અંદાજો મૂકવામાં આવ્યા છે. આઈએમએફ દ્વારા FY27 માટે 7 ટકા, જ્યારે વિશ્વ બેંક, OECD અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 7.1 ટકા વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.


