નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો હતો કે, જો 100 ટકા ઈથેનોલથી વાહન ચલાવવાની મંજુરી આપી છે તો આ માટે ઈંધણની આપુર્તિ કેવી રીતે કરવામાં આવશે. અદાલતે ઈથેનોલ વિતરણ સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન આ સવાલ કર્યો હતો. ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ અને ન્યાયમૂર્તિ પ્રસન્ના બી.વરાલેની ખંડપીઠે તાજેતરના મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, 100 ટકા ઈથેનોલથી ચાલતા વાહનોની મંજુરી આપવામાં આવી છે. સૈદ્ધાંતિક રીતે અમે જાણવા ઈચ્છે છીએ કે, જો 100 ટકા ઈથેનોલથી ચાલતા વાહનોની મંજુરી આપવામાં આવી છે તો તેની આપૂર્તિ કેવી રીતે કરાશે. આ મુદ્દે એટોર્ની જનરલ આર.વેંક્ટરમણીએ જણાવ્યું હતું કે, મોટા પાયે વિનિર્માણ વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવશે.
માર્ગ પરિવહન મંત્રાલયેએ 26 ઓક્ટોબરે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989માં સંશોધનની અધિસૂચના જાહેર કરી હતી. જે અનુસાર એવા ફ્લેક્સ-ફ્યુલ વાહનોની મંજુરી આપવામાં આવી છે જે ઈ100 એટલે કે શુદ્ધ ઈથેનોલથી ચાલતા હોય. જ્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંગ પુરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હાલમાં પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણને 20 ટકાથી વધારે કરવાની વિચારણા કરી રહી નથી.
કોર્ટે સુનાવણી દરમિયાન ખેડૂતોને સશક્ત બનાવવાની જરુરિયાત ઉપર ભાર મુક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ મામલામાં વ્યાપક જનહિત અને પર્યાવરણીય મુદ્દા પર વિચાર કરવો જોઈએ. ન્યાયમૂર્તિ સુંદરેશએ જણાવ્યું હતું કે, આપણે ખેડૂતોના મુદ્દાને પણ ધ્યાનમાં લેવો જોઈએ, ખેડૂતોને કેવી રીતે સશક્ત બનાવવા તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે ગામમાં વસવાટ કરતા સામાન્ય માણસને સશક્ત બનાવવો પડશે.


