Homeગુજરાતીદેશ-વિદેશUSAમાં પકડાયોમોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે શરૂ કરી...

USAમાં પકડાયોમોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે શરૂ કરી તૈયારીઓ

નવી દિલ્હી, 24 ઓક્ટોબર 2026: ભારતમાં અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ અને દિલ્હી-હરિયાણા પોલીસની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ટોચ પર રહેલો કુખ્યાત ગેંગસ્ટર હિમાંશુ ભાઉ આખરે અમેરિકામાં પોલીસના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. યુએસ તપાસ એજન્સી એફબીઆઈ અને આઈસીઈએ સંયુક્ત કાર્યવાહી કરીને હિમાંશુ ભાઉને અમેરિકાના લાસ વેગાસથી ઝડપી પાડ્યો છે. હરિયાણા એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) તરફથી મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ હવે તેને ભારત ડિપોર્ટ (પ્રત્યાર્પણ) કરાવવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને અમેરિકી પ્રશાસનના સંપર્કમાં છે.

હિમાંશુ ભાઉ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેના પર હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, ખંડણી વસૂલવી અને સંગઠિત અપરાધ ગુનાખોરી (ગેંગ ચલાવવી) જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના વિરુદ્ધ દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

મૂળ હરિયાણાના રોહતક જિલ્લાના રિટોલી ગામનો વતની એવો હિમાંશુ ‘હિમાંશુ ઉર્ફે ભાઉ રિટોલિયા’ તરીકે પણ ઓળખાય છે. તે ખૂબ જ નાની ઉંમરે ગુનાહિત દુનિયામાં સક્રિય થઈ ગયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે તેણે નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યો હતો અને ભારત છોડીને વિદેશ ભાગી ગયો હતો જ્યાંથી તે પોતાનું ગેંગ નેટવર્ક ઓપરેટ કરતો હતો. અગાઉ તેનું કનેક્શન પોર્ટુગલ સાથે પણ હોવાનું સામે આવ્યું હતું.

દિલ્હીમાં જિમ ટ્રેનર અને ડેરી વેપારીની હત્યામાં સંડોવણી

કુખ્યાત હિમાંશુ ભાઉનું નામ તાજેતરમાં અનેક ચર્ચાસ્પદ ઘટનાઓમાં સામે આવ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીના આયા નગર વિસ્તારમાં જિમ ટ્રેનર વિજય કુમારની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ લગભગ ૧૫ જેટલી ગોળીઓ ચલાવીને તેમની હત્યા કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં હિમાંશુ ભાઉએ આ હત્યાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. દિલ્હીના આયા નગરમાં જ ડેરી વેપારી રતન લોહિયા પર 60 થી વધુ ગોળીઓ વરસાવીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં હિમાંશુ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી.

એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ સાથે પણ કનેક્શન

આ ઉપરાંત, હિમાંશુ ભાઉના ગેંગે 2025 માં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર પર થયેલા ફાયરિંગની જવાબદારી પણ લીધી હતી. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે હિમાંશુ ભાઉની ગેંગના સંબંધ કુખ્યાત ગેંગસ્ટર નીરજ બવાના અને નવીન બાલી સાથે છે, જ્યારે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કટ્ટર વિરોધી માનવામાં આવે છે.

અમેરિકી એજન્સી ICE ના ‘ERO’વિભાગ દ્વારા ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. જોકે, હિમાંશુ ભાઉને ક્યારે અને કેવી રીતે ભારત લાવવામાં આવશે તેને લઈને હજુ સુધી સત્તાવાર સમય સામે આવ્યો નથી, પરંતુ કાનૂની પ્રક્રિયાઓ ઝડપથી ચાલી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular