Homeગુજરાતીદેશ-વિદેશદાઉદ ત્યાં જ છે જ્યાં લાદેન મળ્યો હતો: UN માં પાકિસ્તાન પર...

દાઉદ ત્યાં જ છે જ્યાં લાદેન મળ્યો હતો: UN માં પાકિસ્તાન પર ભારતનો પ્રહાર

નવી દિલ્હી, 22 ઓક્ટોબર 2026: ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના આતંકવાદ-વિરોધી (કાઉન્ટર-ટેરર) અહેવાલ સામે કડક વાંધો ઉઠાવતા નિષ્પક્ષતા અને તથ્યોની ચોકસાઈ જાળવવાની આકરી માંગ કરી છે. યુએનના સ્પેશિયલ રિપોર્ટર બેન સોલ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં પક્ષપાત અને ખોટા તથ્યો હોવાનો આરોપ લગાવતા ભારતે સંયુક્ત રાષ્ટ્રની કાર્યપ્રણાલી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. યુએન એસેમ્બલીમાં ભારતીય રાજદ્વારી રઘુ પુરીએ સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ જવાબદારી નક્કી કર્યા વિના વિવાદિત અને અધૂરી માહિતી ધરાવતા રિપોર્ટ જાહેર કરવાથી સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થાય છે.

આ અહેવાલમાં દાઉદ ઇબ્રાહિમને માત્ર ભારત કેન્દ્રિત ‘ડી-કંપની’નો લીડર દર્શાવવામાં આવ્યો હતો, જેની સામે ભારતે સાચો ઇતિહાસ રજૂ કરીને વિરોધ નોંધાવ્યો છે. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ નથી કરાયો કે દાઉદ ઇબ્રાહિમ 1993 ના મુંબઈ બોમ્બ ધડાકા સહિતના ત્રાસવાદી હુમલાઓ માટે ભારતનો સૌથી મોટો વોન્ટેડ ગુનેગાર છે. તેને વર્ષ 2003 માં UN ની 1267 પ્રતિબંધિત યાદીમાં સામેલ કરાયો તે પહેલાં જ તે દેશ છોડીને ભાગી ગયો હતો. ત્યાર બાદ અલ-કાયદા અને ઓસામા બિન લાદેન સાથેના તેના સંબંધો સાબિત થતાં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતીય રાજદ્વારીએ યુએનની પોતાની જ પ્રતિબંધિત યાદીનો હવાલો આપતાં પાકિસ્તાન પર પણ સીધો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, યુએનના રેકોર્ડ મુજબ દાઉદ ઇબ્રાહિમ આજે પણ એ જ દેશમાં આશરો લઈને બેઠો છે જ્યાં ઓસામા બિન લાદેન છુપાયેલો મળ્યો હતો. આ મહત્વપૂર્ણ તથ્યોનો ઉલ્લેખ રિપોર્ટમાં ન કરવો એ વિશેષ જનાદેશ ધરાવતા અધિકારીઓની ગંભીર અક્ષમતા દર્શાવે છે, જે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને મોટું નુકસાન પહોંચાડે છે.

  • જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ

રિપોર્ટમાં રહેલા પક્ષપાતની આકરી ટીકા કરતાં ભારતે ઉમેર્યું હતું કે, આજના સમયમાં આતંકવાદ અને કટ્ટરપંથને પ્રોત્સાહન આપનારાઓ માટે માનવાધિકારના માળખાનો ઉપયોગ પોતાના કાળા કામોને વ્યાજબી ઠેરવવા માટે કરવાનો એક નવો ટ્રેન્ડ બની ગયો છે. ભારતે ચીમકી આપતાં કહ્યું કે, માનવાધિકારનું માળખું આતંકવાદીઓ, હિંસક કટ્ટરપંથીઓ કે ગુનેગારો માટે ક્યારેય સુરક્ષિત આશ્રયસ્થાન ન બની શકે અને આતંકવાદને કોઈ પણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં.

અંતમાં, આ જ બેઠક દરમિયાન પાકિસ્તાની પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જડબાતોડ જવાબ આપતાં રઘુ પુરીએ પાકિસ્તાનની સેના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદાખ અંગે કરવામાં આવતી તમામ વાતો માત્ર સસ્તું રાજકીય કવરેજ મેળવવા માટે પાકિસ્તાની સેનાના ઈશારે કરાતો પાયાવિહોણો પ્રોપેગંડા છે. ભારતે રેકોર્ડ પર પુનઃઉચ્ચાર કર્યો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશાં રહ્યા છે અને હંમેશાં રહેશે.

(PHOTO-FILE)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular