તેહરાન, 22 ઓક્ટોબર 2026: અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર નવા સૈન્ય હુમલાઓની તૈયારી કરવામાં આવી રહી હોવાના અહેવાલો વચ્ચે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ મુજતબા હુસૈની ખમેનેઈએ સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. બીજી તરફ, ઈરાને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ફરી કોઈ હુમલો થશે તો તેનો અત્યંત વિધ્વંસક અને કડક જવાબ આપવામાં આવશે.
અમેરિકામાં ચાલી રહેલા મિડટર્મ ઈલેક્શન અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મુજતબા ખમેનેઈએ સંસદ સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફ સાથે મુલાકાત કરી હતી. ગાલિબાફ જ કતર અને પાકિસ્તાન જેવા દેશો મારફતે અમેરિકા સાથેની વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈરાની મીડિયા અહેવાલો મુજબ, આ બેઠકમાં અમેરિકા-ઈસ્રાઈલના સંભવિત સૈન્ય હુમલાઓના તાજા ઘટનાક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકનું કોઈ સત્તાવાર ચિત્ર મીડિયામાં જાહેર કરવામાં આવ્યું નહોતું, પરંતુ નેતાઓએ દેશની આંતરિક એકતા મજબૂત કરવા અને સશસ્ત્ર દળોને સમર્થન આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
અમેરિકી મીડિયા ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ ની રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઈઝરાયલી સેનાઓએ ઈરાન પર નવા હુમલાઓની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. ઈઝરાયલ ખાતે અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથ અને ઈઝરાઈલી વડાપ્રધાન વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ રણનીતિ ઘડવામાં આવી હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંભવિત હુમલાઓમાં ઈરાનનું ઊર્જા માળખું, પરમાણુ સુવિધાઓ અને મિસાઈલ-ડ્રોન ભંડાર મુખ્ય લક્ષ્ય બની શકે છે.
-
ઈરાનની ધમકી: “પહેલાં કરતાં વધુ સખત જવાબ આપીશું”
અમેરિકા અને ઈઝરાયલની સંભવિત સૈન્ય કાર્યવાહી સામે ઈરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહસિન રેજાઈએ ચેતવણી આપી છે કે ઈરાની સશસ્ત્ર દળોએ એક અત્યંત વિનાશક યોજના તૈયાર કરી છે, જે પરંપરાગત નિયમોને અનુસરશે નહીં. ઈરાનના ‘પ્રેસ ટીવી’ ના જણાવ્યા અનુસાર, જો કોઈ નવો હુમલો થશે તો તેનો જવાબ એવો ભયાનક હશે જે આખા ક્ષેત્રમાં હુમલાખોરો અને તેમના સમર્થકોના હિતોને સીધો નિશાન બનાવશે. આ તણાવના કારણે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવમાં ભારે ઉછાળો આવવાની આશંકા સેવાઈ રહી છે.


