Homeગુજરાતીદેશ-વિદેશભારત અને પોલેન્ડ વચ્ચે વ્યાપાર 10 અબજ ડોલર સુધી પહોંચશે

ભારત અને પોલેન્ડ વચ્ચે વ્યાપાર 10 અબજ ડોલર સુધી પહોંચશે

નવી દિલ્હી, 22 ઓક્ટોબર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાર્તા યોજી હતી. પોલેન્ડના વડાપ્રધાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-પોલેન્ડ સંબંધોની સમીક્ષા કરી હતી અને વ્યાપાર, રક્ષા, ટેકનિક તથા અન્ય મહત્ત્વના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર વિશેષ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ વ્યાપાર 10 અબજ ડોલર સુધી પહોંચાડવા લક્ષ્ય નક્કી કર્યો છે. પોલેન્ડના વડાપ્રધાન સાથે સંયુક્ત પ્રેસ વાર્તા દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર સમજૂતીથી ભારત-પોલેન્ડની ભાગીદારી માટે નવી તકોના દ્વાર ખુલ્યા છે. ભારતની વધતી આર્થિક તાકાતે બંને દેશો વચ્ચે સહયોગની નવી સંભાવનાઓ પેદા કરી છે.

પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કનું સ્વાગત કરતા PM મોદીએ વર્ષ 2024 ની પોતાની પોલેન્ડ મુલાકાતને યાદ કરી હતી. તેમણે કહ્યું કે તે મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જેના પરિણામે છેલ્લા બે વર્ષમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળી છે. ભારત અને પોલેન્ડની મિત્રતા માત્ર રાજદ્વારી સંબંધો સુધી મર્યાદિત નથી, પરંતુ તે માનવતા અને સંવેદનશીલતાની વિરાસત પર આધારિત છે.

આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ બીજા વિશ્વયુદ્ધના સમયને યાદ કરતા જણાવ્યું હતું કે, તે મુશ્કેલ સમયમાં જામનગર અને કોલ્હાપુરના શાહી પરિવારએ હજારો પોલિશ બાળકો અને પરિવારજનોને ભારતમાં આશ્રય આપ્યો હતો. પીએમ મોદીએ આ ઐતિહાસિક ઘટનાને બંને દેશો વચ્ચેના માનવીય સંબંધોની મજબૂત કડી ગણાવી હતી.

  • વ્યાપાર, રક્ષા અને ટેકનિક ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર

સંયુક્ત પ્રેસ વાર્તા પહેલાં બંને નેતાઓની ઉપસ્થિતિમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. ભારત સ્થિત પોલેન્ડના પૂર્વ રાજદૂત આદમ બુરાકોવ્સ્કીના જણાવ્યા અનુસાર, બંને દેશો વાર્ષિક દ્વિપક્ષીય વ્યાપારને આશરે 6 અબજ ડોલરથી વધારીને 10 અબજ ડોલર સુધી પહોંચાડવા માંગે છે. ખાસ કરીને રક્ષા અને અંતરિક્ષ ટેકનિકમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી પહોંચ્યા બાદ ગુરુવારે સવારે પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્ક રાજઘાટ પહોંચ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમની સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દિલ્હીમાં ભારત-પોલેન્ડ બિઝનેસ ફોરમના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, ૨૩ ઓક્ટોબરે ડોનાલ્ડ ટસ્ક બેંગલુરુની મુલાકાતે જશે, જ્યાં તેઓ આઈટી અને સ્પેસ સેક્ટરના અગ્રણીઓ સાથે બેઠક કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2010 પછી કોઈ પોલિશ વડાપ્રધાનની આ પહેલી ભારત મુલાકાત છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular