- મુખ્યમંત્રીશ્રીએ સોલા સિવિલના દર્દીઓના ખબર-અંતર પૂછીને ફળ વિતરણ કર્યું
- કુસુમબા ‘અન્નક્ષેત્ર’ ખાતે દર્દીઓના સગાઓ માટે કાર્યરત નિઃશુલ્ક ભોજન વિતરણમાં જોડાયા
- ઓગણજ આંગણવાડી કેન્દ્ર-૬ ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ
ગાંધીનગર, 22 ઑક્ટોબર, 2026 – Amitbhai Shah’s birthday દેશના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે અમદાવાદ ખાતે વિવિધ જનસેવા અને માનવસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે માનવસેવાના વિવિધ કાર્યક્રમોમાં સક્રિય સહભાગી થયા હતા. અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
‘રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ, ભારતની પ્રગતિ એ જ લક્ષ્ય’ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમના ખબર-અંતર પૂછીને ફળોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દર્દીઓ ઝડપથી સાજા થાય અને તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવી પ્રાર્થના સાથે તેમને શુભકામનાઓ પાઠવી હતી.

ત્યારબાદ મુખ્યમંત્રી સોલા સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા કુસુમબા ‘અન્નક્ષેત્ર’ (નિઃશુલ્ક આહાર કેન્દ્ર) ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા-સંબંધીઓ તથા જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક લોકપ્રતિનિધિઓ, હોસ્પિટલના તબીબો, વહીવટી અધિકારીઓ તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના ઓગણજની આંગણવાડી કેન્દ્ર-૬ ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમના સ્વાસ્થ્યનું જતન થાય તે માટે આંગણવાડીમાં નોંધાયેલા બાળકોના વાલીઓને રાશન કિટ અર્પણ કરવામાં આવી હતી. બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા આ સેવાકાર્ય દ્વારા બાળકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત મ્યુનિસિપલ અધિકારીઓ, અગ્રણીઓ, કોર્પોરેટરો અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.


