Homeગુજરાતીદેશ-વિદેશકર્ણાટકઃ એઆઈ મારફતે વિધાનસભાને બોમ્બથી ઉડાવવાનો ફેક વીડિયો બનાવનાર હઝરત અલી ઝડપાયો

કર્ણાટકઃ એઆઈ મારફતે વિધાનસભાને બોમ્બથી ઉડાવવાનો ફેક વીડિયો બનાવનાર હઝરત અલી ઝડપાયો

બેંગલુરુ, 22 ઓક્ટોબર 2026: સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવાના ચક્કરમાં અજીબોગરીબ કે ડરામણા કારનામા કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો બેંગલુરુથી સામે આવ્યો છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને કર્ણાટક વિધાનસભાની ઐતિહાસિક ઇમારત ‘વિધાન સૌધ’ને બોમ્બથી ઉડાવવાનો ફેક વીડિયો બનાવનારા એક યુવકની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બેંગલુરુ પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમની નજર ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા એક ભયાનક વીડિયો પર પડી. આ વીડિયો `@jnx_king_h_g નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો.

વીડિયોની શરૂઆતમાં કર્ણાટક વિધાનસભા એટલે કે ‘વિધાન સૌધ’ની ઇમારત દેખાય છે અને ત્યારબાદ AI ટૂલની મદદથી ઇમારતમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થતો દર્શાવવામાં આવ્યો હતો. વીડિયોની સાથે કૅપ્શન લખવામાં આવ્યું હતું – “વિધાનસભા બોમ્બથી ઉડાવી દીધી”. આ વિવાદિત અને ડરામણા ફેક વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ પોલીસ દ્વારા તુરંત જ ગંભીર ગુના હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયબર સેલે આઈપી એડ્રેસ અને ડિજિટલ પુરાવાઓના આધારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ટ્રેસ કરીને મુખ્ય આરોપી હઝરત અલી શોએબની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી હઝરત અલી મૂળ બિહારના અરરિયા જિલ્લાનો વતની છે. તે છેલ્લા કેટલાક મહિનાઓથી બેંગલુરુમાં રહીને પાઇપ ફિટર તરીકે કામ કરતો હતો.

  • કોઈ મોટું ષડયંત્ર છે કે માત્ર વ્યુઝની ભૂખ? પોલીસ તપાસ તેજ

હાલમાં બેંગલુરુ પોલીસ આરોપીને કસ્ટડીમાં રાખીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ માત્ર સોશિયલ મીડિયા પર વ્યુઝ અને રીચ મેળવવા માટે આ કૃત્ય કર્યું હતું કે પછી આ ફેક વીડિયો પાછળ કોઈ મોટું ષડયંત્ર કે ઉશ્કેરણી કરવાનો ઈરાદો હતો. આ ઉપરાંત, આ એઆઈ વીડિયો જનરેટ કરવામાં અને તેને એડિટ કરવામાં અન્ય કોઈ વ્યક્તિએ તેની મદદ કરી હતી કે નહીં તે અંગે પણ ટેકનિકલ તપાસ ચાલી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular