અમદાવાદ, 21 ઓક્ટોબર, 2026 : 8 killed in 3 accidents રાજ્યમાં ઘોરી માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે માર્ગ અકસ્માતના ત્રણ અલગ-અલગ બનાવોમાં આઠ લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતાં એક દંપતી સહિત ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે અમીરગઢ નજીક બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતાં GRD જવાન સહિત બે યુવાનો મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે અકસ્માત થતાં પીએસઆઈ સહિત ત્રણનાં મોત થયાં હતાં.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક કોઈ અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં. ડીસા તાલુકાના સોડિયા ગામનો પરિવાર પાલનપુર ખાતે સારવાર કરાવીને રિક્ષામાં ડીસા તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન બાદરપુરા પાટિયા નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સોડિયા ગામના પતિ-પત્ની અને સોતમલા ગામના રિક્ષાચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગઢ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના અમીરગઢ નજીક પવન સિમેન્ટ ફેક્ટરી પાસે મોડી રાત્રે બાઈક પર સવાર બે યુવાનોને અજાણ્યા વાહને ટક્કર મારતાં બંનેનાં મોત થયાં હતાં. મૃતકોમાં એક GRD જવાન અને તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનચાલક સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના ત્રીજા બનાવની વિગત એવી છે કે, ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર વડોદરાથી ભરૂચ તરફ આવી રહી હતી, ત્યારે આઈસર સાથે ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં. વડોદરા PCB બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગળ ચાલતા ટેમ્પામાં કાર પાછળથી ભટકાઈ હતી અને કાર પાછળથી અન્ય વાહનની પણ ટક્કર લાગતા કાર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


