હેમંત પરમાર, અરવલ્લી
અરવલ્લી, 16 ઓક્ટોબર 2026: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી સહાયક પ્રાદેશિક પરિવહન કચેરી (એ.આર.ટી.ઓ.) હાલ વિવાદોના વંટોળમાં ઘેરાઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આ કચેરીની કામગીરી અને ત્યાં ચાલતા કથિત વહીવટ અંગે જનતામાં ઉગ્ર ગણગણાટ જોવા મળી રહ્યો છે. શું આ કચેરી ખરેખર પ્રજાની સેવા માટે છે કે પછી અમુક ચોક્કસ લોકોના આર્થિક હિતો સાધવા માટેનું કેન્દ્ર બની ગઈ છે? તેવા ગંભીર સવાલો સ્થાનિક સ્તરે ઉઠી રહ્યા છે.
સરકારી ફી કે ઉપરની કમાણી? ક્યાં અટકે છે સામાન્ય માણસનું કામ?
મોડાસા આરટીઓ કચેરીમાં વાહન સંબંધિત કામકાજ માટે આવતા અરજદારોમાં એક વાત બહુ સામાન્ય બની ગઈ છે કે, અહીં કોઈપણ કામ સીધી રીતે થતું નથી. લાયસન્સ કઢાવવું હોય, વાહન ટ્રાન્સફર કરવું હોય, ફિટનેસ સર્ટીફિકેટ મેળવવું હોય કે પરમિટની પ્રક્રિયા હોય, દરેક ટેબલ પર સરકાર દ્વારા નક્કી કરાયેલી સત્તાવાર ફી ઉપરાંત ૧૦૦ રૂપિયાથી લઈને ૩૦૦ રૂપિયા સુધીની વધારાની રકમ ચૂકવવી પડતી હોવાની રાવ ઉઠી છે.
લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, જો પરિવહન વિભાગ ડિજિટલના બણગા ફૂંકતી હોય અને તમામ પ્રક્રિયા ઓનલાઈન હોવાનો દાવો કરતી હોય, તો પછી આ વધારાની રકમ કયા ખાતામાં જાય છે? શું આ રકમ વગર કામ કરવું અશક્ય છે? જો આ વાતો માત્ર અફવા હોય, તો તંત્ર દ્વારા તેને સ્પષ્ટ કરવા માટે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં કેમ લેવામાં આવ્યા નથી?

રાત્રિના અંધકારમાં હાઈવે પર થતો ખેલ
માત્ર કચેરીની અંદર જ નહીં, પણ રાત્રિના સમયે હાઈવે પર થતું વાહન ચેકિંગ પણ શંકાના દાયરામાં છે. ટ્રક ચાલકો અને વ્યવસાયિક વાહનોના માલિકોમાં એવી ચર્ચા છે કે ચેકિંગના નામે માત્ર પજવણી કરવામાં આવે છે અને ગેરરીતિપૂર્વક નાણાં ખંખેરવામાં આવે છે. નિયમોનું પાલન કરાવવાને બદલે વહીવટ કરી લેવાની માનસિકતા વધી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકો પૂછી રહ્યા છે કે શું આ ચેકિંગનું કોઈ ઓડિટ થાય છે? ચેકિંગ દરમિયાન અધિકારીઓ જે દંડ વસૂલે છે તે ખરેખર સરકારી તિજોરીમાં જાય છે કે પછી કોઈના ખિસ્સામાં?
અધિકારીઓની શાનદાર જીવનશૈલી: આવક કરતા વધુ સંપત્તિ?
સૌથી વધુ ચોંકાવનારી ચર્ચા અધિકારીઓની જીવનશૈલીને લઈને છે. મોડાસા આરટીઓમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ રોજેરોજ અમદાવાદ કે ગાંધીનગર જેવા મોટા શહેરોમાંથી મોંઘી વૈભવી કારમાં અપ-ડાઉન કરે છે. એક સામાન્ય સરકારી કર્મચારી કે જેની નોકરીના હજુ થોડા જ વર્ષો થયા હોય, તે લાખોની ગાડી કેવી રીતે જાળવી શકે?
સામાન્ય નાગરિક જે આખો મહિનો મહેનત કર્યા પછી માંડ ઘર ચલાવે છે અને ટુ-વ્હીલરના હપ્તા ભરવામાં પણ પરસેવો પાડે છે, તેના માટે આ અધિકારીઓનો ઠાઠમાઠ કુતૂહલનો વિષય બન્યો છે. શું આ અધિકારીઓની આવક અને તેમની સંપત્તિની કોઈ દિવસ તપાસ થશે? શું તેમના મોંઘા શોખ પાછળ અરજદારો પાસેથી લેવાતી વધારાની ફી જવાબદાર છે? આવા અનેક વેધક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
શું એસીબીની તપાસથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે?
સ્થાનિક નાગરિકો હવે કંટાળીને એવી માંગ કરી રહ્યા છે કે જો અરવલ્લી આરટીઓ વિભાગ ખરેખર ભ્રષ્ટાચાર મુક્ત હોય, તો સરકારે કેમ સ્વતંત્ર તપાસ નથી સોંપતી? એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ કચેરીની ઓચિંતી તપાસ કરવામાં આવે અને અધિકારીઓની સંપત્તિની ચકાસણી કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે. જો કોઈ ગેરરીતિ થતી જ નથી, તો વિભાગને તપાસનો ડર કેમ હોવો જોઈએ?
લોકશાહીમાં પ્રજાના સવાલોના જવાબ આપવા એ તંત્રની જવાબદારી છે. મોડાસા આરટીઓ અંગેની આ ચર્ચાઓ જો પાયાવિહોણી હોય તો તંત્રએ પારદર્શિતાના પુરાવા આપવા જોઈએ, અને જો તેમાં સત્યતા હોય તો ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આખરે, સરકારી કચેરીઓ જનતાની સુવિધા માટે હોય છે, નહીં કે સામાન્ય માણસના ખિસ્સા હળવા કરવા માટે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ અને સરકાર આ ગંભીર બાબતે શું પગલાં લે છે. શું પ્રજાને ન્યાય મળશે કે પછી આ વહીવટ આમ જ ચાલતો રહેશે?


