નવી દિલ્હી, 16 ઓક્ટોબર 2026: કેન્દ્ર સરકારે 16 ઓક્ટોબરથી શરૂ થતાં પખવાડિયા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સના દરોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, પેટ્રોલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલની નિકાસ પરના ટેક્સમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરનો નિકાસ ટેક્સ પ્રતિ લીટર રૂ. 10.5 પર યથાવત રાખવામાં આવ્યો છે.
સરકારે ડીઝલની નિકાસ પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી અને રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસમાં ઘટાડો કર્યો છે, જેના કારણે ડીઝલ પરનો નિકાસ ટેક્સ પ્રતિ લીટર રૂ. 16 થી ઘટીને રૂ. 8.5 થઈ ગયો છે. આ સિવાય, પેટ્રોલની નિકાસ હતોત્સાહિત કરવા માટે તેના પરનો ટેક્સ પ્રતિ લીટર રૂ. 0.5 થી વધારીને રૂ. 2.5 કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નવી દર શુક્રવાર, 16 ઓક્ટોબરથી અમલમાં આવી ગઈ છે.
આ નિર્ણયથી દેશના સામાન્ય ગ્રાહકો પર કોઈ સીધી અસર પડશે નહીં, કારણ કે ઘરેલુ વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરના હાલના ટેક્સ દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે સ્થાનિક બજારમાં ઇંધણની પુરતી ઉપલબ્ધતા જાળવી રાખવા માટે આ ટેક્સ લાદ્યો હતો. માર્ચ 27 થી ડીઝલ અને એટીએફ પર તથા મે 16 થી પેટ્રોલ પર નિકાસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો.
આ ટેક્સનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાનો લાભ લઈને નિકાસકારો દ્વારા કમાવાતા અણધાર્યા નફા પર અંકુશ મેળવવાનો અને દેશમાં પૂરતો જથ્થો જાળવી રાખવાનો છે. કેન્દ્ર સરકાર દર 15 દિવસે વૈશ્વિક પરિસ્થિતિ અને ભાવની સમીક્ષા કરીને વિન્ડફોલ ટેક્સના દરો નક્કી કરે છે.


