શ્રીનગર, 23 ઓક્ટોબર 2026: જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં સેના દ્વારા ચલાવવામાં આવી રહેલા આતંકવાદ-વિરોધી અભિયાન દરમિયાન મોટો વિસ્ફોટ કરવાનો આતંકવાદીઓનો મનસૂબો નિષ્ફળ ગયો છે. સેનાએ મેંઢર સબ-ડિવિઝનના સલાની વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ આઈઈડી અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે.
મળેલી વિગતો અનુસાર, 156 ટેરિટોરિયલ આર્મી પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, 6 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સ હેઠળ સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ (37 RR) દ્વારા સલાનીના કસબાલારી ગામની આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સેનાને બ્રાઉન ટેપથી વિંટાળેલા 6 કન્ટેનર અને બ્લુ ટેપથી વિંટાળેલું 1 કન્ટેનર મળી આવ્યું હતું, જે શંકાસ્પદ આઈઈડી હોવાનું જણાય છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી એક બ્લેક બેગ, કોમ્બેટ પાઉચ, કાળા રંગનું લોખંડનું બોક્સ (મેગેઝિન કન્ટેનર હોવાની શંકા) અને 7.62 એમએમ લાઈટ મશીન ગનની એક મેગેઝિન પણ રિકવર કરવામાં આવી છે. તપાસ દરમિયાન સેનાને એક એલ્યુમિનિયમ કન્ટેનર, બે પાવર એડેપ્ટર, એક પાવર સોર્સ અને એક ટિફિન પણ મળી આવ્યા છે. સરહદી જિલ્લા પૂંચમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે સુરક્ષાદળો દ્વારા સતત કામગીરી ચાલુ છે ત્યારે આ સફળતા સાંપડી છે.
-
હંદવાડામાં દેશવિરોધી પોસ્ટર મોડ્યુલનો પર્દાફાશ
બીજી તરફ, 22 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના હંદવાડા સબ-ડિવિઝન પોલીસ દ્વારા એક આતંકી પોસ્ટર મોડ્યુલનો ભંડાફોડ કરવામાં આવ્યો હતો. પોલીસે જાહેર સ્થળો પર દેશવિરોધી અને ભડકાઉ પોસ્ટર લગાવવાના મામલે એક આરોપીની ધરપકડ કરી હંદવાડા પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. તપાસ દરમિયાન આ ષડયંત્રમાં ‘ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ’ અને અન્ય તત્વોની સંડોવણી સામે આવી છે. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોને ઝડપી પાડવા અને સમગ્ર ષડયંત્ર ખુલ્લું પાડવા માટે આગળની તપાસ તેજ કરવામાં આવી છે. તે સિવાય એક અન્ય ગુનાહિત કેસમાં પણ પોલીસે ત્રણ આરોપીઓની મિલકતો જપ્ત કરી છે.


