Homerevoinewsસંસ્કૃત શોભાયાત્રા સાથે વેરાવળમાં વીસમા યુવક મહોત્સવનો પ્રારંભ

સંસ્કૃત શોભાયાત્રા સાથે વેરાવળમાં વીસમા યુવક મહોત્સવનો પ્રારંભ

વેરાવળ, 23 ઑક્ટોબર, 2026 – Twentieth Youth Festival begins શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના ૨૦મા યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ તા.૨૩/૧૦/૨૦૨૬ના શુક્રવારે સવારે ૧૧:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાયો. તદ્ પૂર્વે સવારે ૯:૩૦ કલાકે ટાવર ચોકથી યુનિવર્સિટી પરિસર સુધી એક સુંદર સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા અને કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાના હસ્તે કરવામાં આવ્યો.

20th Youth Festival Begins in Veraval with a Sanskrit Procession
20th Youth Festival Begins in Veraval with a Sanskrit Procession

યુનિવર્સિટીના પદાધિકારીઓ, ગુજરાતભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો/અધ્યાપિકાઓ અને યુનિવર્સિટી કર્મચારીગણે આ યાત્રામાં ભાગ લીધો. યુનિવર્સિટી પરિસરમાં વાજતે ગાજતે પહોંચેલી સંસ્કૃત શોભાયાત્રાનું સ્વાગત પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ કર્યું, યુવક-મહોત્સવનો ધ્વજ ફરકાવ્યો અને મશાલની યથોચિત સ્થાને સ્થાપના કરાવી. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાએ તમામ સ્પર્ધકો પાસે ખેલદીલીપૂર્વક રમવાની અને યુનિવર્સિટીનું ગૌરવ વધારવાની પ્રતીજ્ઞા લેવડાવી. આ સંસ્કૃત શોભાયાત્રાનું સંચાલન યુનિવર્સિટી સંચાલિત કોલેજના જ્યોતિષના પ્રાધ્યાપક ડૉ.રમેશચન્દ્ર શુક્લએ કરેલ હતું. અન્ય કામગીરી શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડૉ.જયેશકુમાર મુંગરાએ કરી.

આ પણ વાંચોઃ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ૨૦મા યુવક મહોત્સવનું આયોજન

ત્યારબાદ ઉદ્ઘાટન સમારંભની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ સૌનું સ્વાગત કર્યું તથા સૌ મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવી ૨૦મા યુવક મહોત્સવ અંગે સૌને અવગત કર્યા. મંચસ્થ મહાનુભાવો દ્વારા યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

કાર્યક્રમના વિશેષ અતિથિ એવા અત્રેની યુનિવર્સિટીના વિજ્ઞાન-અભિનવવિદ્યા ફેકલ્ટીના ડીન/અધ્યક્ષ અને એકેડેમિક કાઉન્સિના સભ્ય ડૉ. જાનકીશરણ આચાર્યએ કહ્યું કે યુવક મહોત્સવનું નામ સ્ફૂરણમ્‌ રાખવામાં આવ્યું. તેનો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક, સાંસ્કૃતિક કે ક્રીડાત્મક સ્પર્ધાઓનું આયોજન નહીં, પરંતુ તેનો મૂળ ઉદ્દેશ્ય આ સાથે સાથે ઇત્તર/Co-Curricular પ્રવૃત્તિઓના માધ્યમથી યુવાધનનો સર્વાંગી વિકાસ કરવો. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમ પ્રાપ્ત થાય કે ન થાય, પરંતુ જે વિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ ગ્રહણ કરે તે ક્ષણથી જ તેની વિજયયાત્રા શરૂ થઈ જાય છે.

આ પણ વાંચોઃ પુસ્તક સમીક્ષાઃ ઈસ્લામમાં મહિલાઓની પરિસ્થિતિ: મુસ્લિમ વિદ્વાનોની નજરે

 કાર્યક્રમના અન્ય વિશેષ અતિથિ એવા અત્રેની યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝાએ કહ્યું કે સ્ફૂરણમ્‌ શબ્દનો બીજો અર્થ આંતરિક હલચલ છે. યુવાધન માત્ર શૈક્ષણિક પ્રગતિથી નહીં, પરંતુ સાંસ્કૃતિક કે ખેલ/ક્રિડા કૌશલ્યથી પણ સમાજમાં/વિશ્વમાં પોતાની અને પરિવારની ઓળખ પ્રસ્થાપિત કરે છે.

ઉદ્ઘાટન કાર્યક્રમના અધ્યક્ષ એવા અત્રેની યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા એ કહ્યું કે

युवा स्यात् साधुयुवाध्यायकः।

आशिष्ठो दृढिष्ठो बलिष्ठः।

तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात्।

स एको मानुष आनन्दः॥ તૈત્તિરીય ઉપનિષદ, બ્રહ્માનંદવલ્લી, (૨.૮)

આ ઉપનિષદ વાક્યનો ગુજરાતી અર્થ “મનુષ્ય યુવાન હોય, સદાચારી અને સજ્જન સ્વભાવનો હોય, વિદ્વાન તથા અધ્યયનશીલ હોય, આશાવાદી હોય, દૃઢ નિશ્ચયવાળો હોય અને બળવાન હોય. આવા યુવાન માટે આ સમગ્ર પૃથ્વી ધન-સંપત્તિથી પરિપૂર્ણ હોય, તો તે એક માનવીય આનંદની માત્રા ગણાય છે.” જ્યારે જ્યારે યુવાનોને જોઈએ છીએ ત્યારે સ્વયંમાં યુવા લાગણી ઉત્પન્ન થાય છે. યુવાધનને સાચી દિશા બતાવવી એ આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદેશ્ય છે. ગુરુ પ્રત્યે યુવાધનનો માર્ગદર્શક/પથદર્શક છે. સામાન્ય રીતે પ્રત્યેક મનુષ્યની ઈચ્છા સુખ અને યસ પ્રાપ્ત કરવાની છે. ધર્મથી એટલે કે સ્વ-કર્તવ્ય પાલનથી સુખ પ્રાપ્ત થાય છે. સ્ફૂરણમ્‌ આપણા જીવનમાં નિત્ય થાય છે અને પ્રકૃતિમાં પણ નિત્ય/નિરંતર થાય છે. જ્યાં સ્ફૂરણમ્‌ છે, ત્યાં જ જીવન છે. યુવા શબ્દનો અર્થ વ્યાકરણશાસ્ત્રની દ્રષ્ટિએ કોઈકને મળવું અને કોઈકથી છૂટા પડવું. એકલવ્યના ઉદાહરણથી યુવાધનને સ્વ-લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા ઉત્સાહિત અને પ્રેરિત કર્યા. પ્રસિધ્ધ ગુજરાતી લેખક ગુણવંત શાહના ગ્રંથ “અસ્તિત્વનો આનંદ”ના ઉદાહરણ થકી જીવનને આનંદમય બનાવવા હાકલ કરી. આપણો પ્રત્યેક યુવા સિંહ જેવો બને તેમ અંતે કહ્યું. મંચ ઉપરથી વિમોચન થયેલા ગ્રંથ  वीरबालका:ની પ્રત્યેક વાર્તામાંથી ઉપસ્થિત તમામ યુવા બોધપાઠ લે તેમ માર્ગદર્શન આપ્યું.

૨૦મા યુવક મહોત્સવના સંયોજક ડૉ. કિરણકુમાર ડામોરે મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો. સમગ્ર ઉદ્ઘાટન સમારંભનું મંચ સંચાલન અત્રેના અનુસ્નાતક વિભાગના સાહિત્યના પ્રાધ્યાપક ડૉ. જીગર ભટ્ટે કર્યું હતું.

આ યુવક મહોત્સવમાં ગુજરાત રાજ્યની વિવિધ સંસ્કૃત કોલેજો/મહાવિદ્યાલયોના સ્પર્ધકો બે દિવસ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે અને પોતાની કળા-શક્તિનો પરિચય કરાવશે તેમ કુલસચિવ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

રિવોઈમાં પ્રકાશિત વિશેષ લેખ તેમજ અન્ય સમાચારો વિશે આપનો અભિપ્રાય જરૂર ઈમેલ દ્વારા આપોઃ [email protected]

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular